સિંગાપોરમાં પોતાના ઘરમાં કામ કરતી મહિલા પર ત્રાસ ગુજારવો, હુમલો કરવો અને તેની હત્યા કરવા બદલ સિંગાપોરની મહિલાને મંગળવારે 30 વર્ષની જેલ સજા ફરમાવવામાં આવી છે. ન્યાયાધિશે આ કેસને સૌથી ખરાબ પ્રકારનો સદોષ માનવવધ ગણાવ્યો હતો.
આ દેશમાં અંદાજે 250,000 ઘરેલુ કામદારો છે, જે ગરીબ એશિયન દેશમાંથી આવે છે. અને તેમની સાથે ખરાબ વર્તનના અનેક કિસ્સા સામાન્ય રીતે જોવા મળે જ છે.
મ્યાનમારની 24 વર્ષની નાગરિક પીઆંગ એનગેઇહ ડોન સાથે કરવામાં આવેલ દુર્વ્યવહાર ખૂબ જ ભયાનક હતો અને તે આ પરિવારના ઘરમાં સીસીટીવીમાં તે ઘટનાઓ કેદ થઇ હતી. કોર્ટમાં રજૂ કરવામાં આવેલા ડોક્યુમેન્ટ્સમાં જણાવ્યા મુજબ આ મહિલા સાથે મારઝુડ કરવામાં આવી હતી અને તેને ઇસ્ત્રીથી દઝાડવામાં આવી હતી.
જેના ઘરે આ મહિલા કામ કરતી હતી તે ગાયથ્રી મુરુગયનના વારંવાર અને સતત હુમલાને કારણે તેનું જુલાઇ 2016માં મૃત્યુ થયું હતું.
41 વર્ષની ગાયથ્રીને સદોષ માનવવધ સહિતના 28 આરોપોમાં ફેબ્રુઆરીમાં દોષિત ઠેરવવામાં આવી હતી. અન્ય 87 આરોપોને સજામાં ગણવામાં આવ્યા હતા. આ મહિલા મંગળવારે કોર્ટમાં હાજર થઇ ત્યારે તેણે ચશ્મા અને કાળો માસ્ક પહેર્યો હતો, તે આંખ બંધ કરીને શાંતિથી ઊભી હતી અને ન્યાયમૂર્તિએ જ્યારે ચૂકાદો ફરમાવ્યો ત્યારે તેનું માથું ઝુકેલું હતું.
ગાયથ્રીએ આજીવન સજા નાબૂદ કરવાની અરજ કરતા ન્યાયમૂર્તિ સી કી ઉને તેમની 30 વર્ષની સજા 2016માં તેની ધરપકડ થઇ ત્યારથી શરૂ કરવા જણાવ્યું હતું.
ન્યાયમૂર્તિ સી કીએ તેમના ચૂકાદામાં આરોપીના ભયાવહ ક્રુર વર્તનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે તેના ગુના પ્રત્યેના ‘સામાજિક આક્રોશ અને ધૃણા’નો અંદાજ તો સજામાં આવવો જ જોઈએ.
2015માં ગાયથ્રી અને તેના પોલીસ અધિકારી પતિએ આ નોકરાણીને તેમની ચાર વર્ષની પુત્રી અને એક વર્ષના પુત્રની સંભાળ રાખવામાં મદદ માટે નોકરીએ રાખી હતી.
કોર્ટના ડોક્યુમેન્ટ્સમાં જણાવ્યા અનુસાર ગાયથ્રી દરરોજ, અનેકવાર તો એક દિવસમાં એકથી વધુ વખત પીડિતાને મારઝુડ કરતી હતી અને ઘણી વખત તેની 61 વર્ષીય માતા પણ તેની સાથે મારઝુડ કરતી.