સિંગાપોરના એક બ્લોગરને વડાપ્રધાનની બદનક્ષી કરવા બદલ બુધવારે $100,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ બ્લોગરે મલેશિયાના એક કૌભાંડમાં સિંગાપોરના વડાપ્રધાનનું નામ ઉછાળતો એક આર્ટિકલ શેર કર્યો હતો.
વડાપ્રધાન લી સીન લૂંગે આરોપ મૂક્યો હતો કે લીયોંગ ઝે હિયાને મલેશિયાના સરકારી ફંડ 1MDBમાં મની લોન્ડરિંગ કૌભાંડ સંબંધિત આર્ટિકલમાં તેમના અંગે ખોટા દાવા કર્યા હતા. સરકારના ટીકાકારોએ જણાવ્યું હતું કે આ કિસ્સો વિરોધી અવાજને દબાવી દેવાના સરકારના આકરા પગલાં અને ઓનલાઇન વિરોધીઓને ચુપ કરવાનું વધુ એક ઉદાહરણ છે. સિંગાપોરના નેતાઓ તેમના રાજકીય હરીફોથી લઇને વિદેશી મીડિયાને ચૂપ કરવા માટે વારંવાર કોર્ટનો આશ્રય લે છે.
હાઇ કોર્ટના જજ એદિત અબ્દુલ્લાએ વડાપ્રધાનની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને બ્લોગરને આદેશ આપ્યો હતો કે તે વડાપ્રધાનને 133,000 સિંગાપોર ડોલર (99,000 અમેરિકી ડોલર) ચુકવે. વડાપ્રધાન લીએ 150,000 સિંગાપોર ડોલરનું વળતર માંગ્યું હતું. બ્લોગર લીઓંગના વકીલ લિમ ટીને આ ચુકાદાને ખોટો અને સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત નિર્ણય ગણાવ્યો હતો. બ્લોગરે શેર કરેલો આર્ટિકલમાં સૌ પ્રથમ મલેશિયાના ન્યૂઝ પોર્ટલમાં પ્રકાશિત થયો હતો, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પડોશી દેશ મલેશિયામાં સરકારી ફંડ 1MDB કેસમાં વડાપ્રધાન લીને લક્ષ્યાંક બનાવીને તપાસ થઈ રહી છે.
