ચીનના ચેંગડુમાં આગામી તા. 27 એપ્રિલથી શરૂ થનારી પુરૂષોની થોમસ કપ અને મહિલાઓની ઉબર કપ બેડમિંટન ટીમ ચેમ્પિયનશિપ્સમાં ભારતની ટોચની શટલર પી. વી. સિંધુએ ઓલિમ્પિક્સની તૈયારીઓના કારણે ઉબર કપમાં ભાગ લેવાનો અગાઉ લીધેલો નિર્ણય બદલી નાખી હવે નહીં રમવાની જાહેરાત કરી હતી.
થોમસ કપમાં જો કે, ભારતીય પુરૂષોની ટીમ ડીફેન્ડીંગ ચેમ્પિયન છે અને તે પોતાનું ટાઈટલ જાળવી રાખવા મજબૂત સ્પર્ધા માટે સજ્જ છે.
સિંધુના નિર્ણય પછી ટોચની બે મહિલા ડબલ્સ પેર ત્રિશા જોલી – ગાયત્રી ગોપીચંદ તેમજ અશ્વિની પોન્નપા અને તનિષા ક્રાસ્ટોએ પણ મજબૂત ટીમ નહીં હોવાથી પોતાના નામ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી.
થોમસ કપ માટે 10 ખેલાડીઓની ટીમમાં પાંચ સિંગલ્સ પ્લેયર કિરણ જ્યોર્જ, એચ એસ પ્રણોય, લક્ષ્ય સેન, કિદામ્બી શ્રીકાંત અને પ્રિયાંશુ રાજાવતનો સમાવેશ કરાયો છે.
વિશ્વની નંબર વન ડબલ્સ જોડી સાત્વિક-ચિરાગ અને એમઆર અર્જૂન-ધ્રુવ કપિલાની જોડી પણ ભાગ લેશે. સાઈ પ્રતિકને ડબલ્સ ટીમમાં બેક-અપ ખેલાડી તરીકે સામેલ કરાયો છે.