વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ટોકિયો ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓને મળ્યા હતા. મોદીએ ગોલ્ડ મેડલ વિજેતા ભારતીય ખેલાડી નીરજ ચોપરાને મનપસંદ ચૂરમું ખવરાવ્યું હતું અને બ્રોન્ઝ મેડલ જીતનારી બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુને આઇસ્ક્રીમ પાર્ટી આપીને પોતાનું વચન પૂરું કર્યું હતું.. સિંધુ ઓલિમ્પિક ઇતિહાસમાં 2 મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા ખેલાડી છે.
15 ઓગષ્ટના ભારતના 75માં સ્વતંત્રતા દિવસના અવસર પર આ તમામ ખેલાડીઓએ લાલ કિલ્લા પર ધ્વજારોહણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને મોદી તમામ ખેલાડીઓ સાથે 16 ઓગષ્ટે બ્રેકફાસ્ટ પર મળ્યા હતા. ઓલિમ્પિક માટે રવાના થતા પહેલા મોદીએ ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સિંધુને વચન આપ્યું હતું કે મેડલની સાથે પાછા આવવા પર તેઓ તેને આઇસક્રીમ ખવરાવશે. આ પ્રસંગે 41 વર્ષ બાદ હોકીમાં ઓલિમ્પિક મેડલ જીતનારી ભારતીય પુરુષ ટીમે મોદીને ઓટોગ્રાફ કરેલી હોકી સ્ટિક પણ આપી હતી.