બીબીસીના રિપોર્ટર સિમા કોટેચા લેસ્ટરમાં જીવંત પ્રસારણની તૈયારી કરતા હતા ત્યારે લેસ્ટરના ગ્લેનફિલ્ડ રોડના 50 વર્ષીય રસેલ રાઓલિંગ્સને તેમને ધમકી આપી અપમાનજનક વર્તન કરી રેસીસ્ટ દુર્વ્યવહાર કરતા તેની સામે કોર્ટમાં આરોપ મૂકાયો હતો. તેને લેસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં વિડિઓ-લિંક દ્વારા મંગળવારે હાજર કરવામાં આવ્યો હતો.
સિમા કોટેચાએ જણાવ્યું હતું કે ‘’રવિવારે તા. 10ના રોજ સાંજે લેસ્ટર સીટી સેન્ટરમાં કોરોનાવાયરસ લોકડાઉન અંગે વડા પ્રધાનના નિવેદન બાદ લોકોની મુલાકાત લેવાની તૈયારી કરતી વખતે તેમને અને તેમની ટીમને “જાતિવાદી અને અપમાનજનક વર્તન”નો સામનો કરવો પડ્યો હતો. અમને ખરેખર ખરાબ લાગ્યું હતું. કારણ કે તેઓ અમને નામ જોગ બોલાવતા હતી અને પછી સમગ્ર ક્રૂને ગાળો ભાંડી હતી. તેથી અમારે ત્યાંથી જવું પડ્યું હતુ.”
બનાવ બાદ તુરંત જ તે લાઇવ ટીવી પ્રસારણ રદ કરાયુ હતુ અને આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.
જુનિયર ડૉક્ટર પ્રિયા જેકબ, જે કોરોનાવાયરસથી હાલમાં જ સાજા થયા હતા તેમનો હાલની પરિસ્થિતિ અંગે બીબીસી વન પર લાઇવ ઇન્ટરવ્યૂ લેવાનો હતો. તેણીએ બીબીસી રેડિયો લેસ્ટરને કહ્યું હતુ કે ‘’લોકોના જૂથે ગાળો આપવાનુ શરૂ કર્યું હતુ અને તેમને અપમાનજનક લાગ્યુ હતુ. સિમા કોટેચાએ ટ્વીટ કરી અતિથિઓની માફી માંગી હતી અને તેમને પરત ઘરે મોકલવા બદલ દિલગીરી વ્યક્ત કરી હતી.
લેસ્ટરશાયર પોલીસે પુષ્ટિ કરી જણાવ્યુ હતુ કે તેઓ કોઈ પણ સંજોગોમાં જાતિવાદી દુરૂપયોગ સહન કરવામાં આવશે નહીં.”
બીબીસીના પ્રવક્તાએ કહ્યું હતુ કે “પ્રસારણની તૈયારી કરતી વખતે, અમારા પત્રકાર, તેમની પ્રોડક્શન ટીમ અને મહેમાનો પર જાતિવાદી અને અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હતુ. અમે જાતિવાદ અને અમારા સ્ટાફ સાથેના દુર્વ્યવહાર સહન નહીં કરીએ.”