સોના અને ચાંદીમાં તેજીની ચમક સતત વધી રહી છે. અમેરિકામાં આર્થિક મંદીના ભણકારાની સાથે અમેરિકન ફેજરલ રિઝર્વની પોલિસી સાવેચતીનો અભિગમ ધરાવતી રહેવાની ધારણા વચ્ચે વૈશ્વિક સોનું ફ્યુચરમાં 2,060 ડોલર સુધી ઊછળ્યું હતું. આની જોરદાર અસર સ્થાનિક માર્કેટમાં પણ જોવાઈ હતી.
અમદાવાદમાં 99.9 ટચનું સોનું 10 ગ્રામે પ્રથમવાર રૂ57,000ની સપાટી કુદાવી રૂ57,100 રહ્યું હતું. જ્યારે ચાંદીમાં એક જ દિવસમાં વિક્રમી રૂ7,500નો ઊછાળો નોંધાઇને રૂ72,000 પહોંચ્યું હતું. એપ્રિલ 2011માં મુંબઈ ખાતે જોવાયેલી રૂ75,020 અને અમદાવાદ ખાતેની રૂ74,500ને સ્પર્શ્વા દોટ લગાવી છે. વર્તમાન સ્થિતને જોતાં ઝવેરીઓ અને બુલિયન એનાલિસ્ટોનું માનવું છે કે આ સપાટી હાથવેંતમાં છે.
ડોલર ઇન્ડેક્સ ફરી 22 મહિના પછી 93ની સપાટીની નીચે ટ્રેડ થતો હતો. અમેરિકામાં કોરોના સામે લડવા જંગી રાહતના પેકેજની જાહેરાત ગમે ત્યારે થઈ શકે અને ફેડરલ રિઝર્વનું વર્તમાન સ્ટેન્ડ સાવચેતીનું રહેશે જેથી વ્યાજદરમાં કોઈ વધારો થવાની શક્યતા નહીં હોવાથી વૈશ્વિક ફંડોએ સોના અને ચાંદીમાં તોફાન મચાવ્યું છે.
વધુમાં સોનામાં આવેલા ઊછાળા પાછળનું એક કારણ બૈરુતમાં થયેલા મોટા ઘડાકાને પણ ગણવામાં આવે છે. કોરોનાથી લઇને જીયો-પોલિટીકલ અસ્થિરતાના વાતાવરણ વચ્ચે હેજ ફંડો અને બુલિયન ઇટીએફનું સોના અને ચાંદીમાં તોફાન વધ્યું છે. ફંડોનું એક્સપોઝર છેલ્લા એક સપ્તાહમાં અઢી ટકા વધ્યું હોવાનું જાણવા મળતું હતું.
કોમેક્સ ખાતે સોનું ફ્યુચરનો ભાવ 33 ડોલર વધીને 2,053 ડોલર અને ન્યુયોર્ક ખાતે સ્પોટમાં ભાવ 19 ડોલર વધીને 2,038 ડોલર ક્વોટ થતું હતું. જ્યારે ચાંદી વાયદામાં 3.1 ટકા ઊછળીને 26.86 ડોલર અને સ્પોટમાં 87 સેન્ટ વધીને 26.88 ડોલર મૂકાતી હતી. વૈશ્વિક ચાંદી 9 વર્ષની ઊંચી સપાટીએ પહોંચી હતી. સ્થાનિકમાં ડોલર સામે રૂપિયો 10 પૈસા વધીને 74.94 રહેવા છતાં તેની કોઈ અસર નહોતી.
મોડીં સાંજે વાયદામાં સોનું રૂ666 વધીને 55,217 અને ચાંદી રૂ2,506 વધીને રૂ72,303ની ઊંચી સપાટીએ ટ્રેડ થતાં હતા. નવી દિલ્હી ખાતે સોનામાં રૂ1,365નો તો ચાંદીમાં રૂ5,972નો ઊછાળો નોંધાયો હતો. નવી દિલ્હીમાં ચાંદીનો ભાવ કિલોએ રૂ72,726 રહ્યો હકતો તે સોનું 10 ગ્રામે રૂ56,181 હતું.