અમેરિકામાં સિલિકોન વેલીના કોંગ્રેસમેનોના એક જૂથે તાજેતરમાં યુએસ સિટિશનશિપ એન્ડ ઈમીગ્રેશન સર્વિસિઝ(USCISને એક પત્ર લખીને ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીમાં મોટાપાયે થઇ રહેલી છટણી અંગે ચિંતા વ્યકત કરીને નોકરી ગુમાવનારાઓને તેઓ નવી નોકરી શોધી શકે એટલે માટે અમુક સમય સુધી દેશમાં રહેવા દેવા માટે અનુરોધ કર્યો છે.
કોંગ્રેસમેન જો લોફગ્રેન, રો ખન્ના, જિમ્મી પેનેટા અને કેવિન મુલ્લિને USCISના વડા મેન્ડોજા જાડોઉને એક પત્ર લખ્યો હતો જેમાં કહ્યું હતું કે હાઈ પ્રોફેશનલ ઇમિગ્રન્ટો આજના જ્ઞાન આધારિત અર્થતંત્ર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને તેમને અમેરિકા છોડવાની ફરજ પાડવાથી આપણા દેશને લાંબાગાળે નુકસાન થશે. આ આપણા માટે એક મહત્ત્વપૂર્ણ મુદ્દો છે કેમ કે ટેક સેક્ટરમાં છટણીને લીધે તાજેતરના મહિનાઓમાં મોટી સંખ્યામાં લોકોએ નોકરી ગુમાવી છે. 2022માં જેટલી નોકરીઓ ગઈ તેનાથી વધુ નોકરીઓ 2023ના અમુક મહિનાઓમાં જ છીનવાઈ ચૂકી છે.
કોંગ્રેસમેનોએ આ પત્રમાં એવો અનુરોધ કર્યો છે કે USCIS છટણીમાં પ્રભાવિત થનારા ઇમિગ્રન્ટોના આંકડા જાહેર કરે. H-1B વિઝાધારકોને 60 દિવસનો ગ્રેસ પીરિયડ આપવામાં આવે જેથી તે તેમના વિઝા કાયદાની મુદ્દત ખતમ થાય તે પહેલા તેઓ નવી નોકરી શોધી શકે. ટોચની ટેકનોલોજી કંપનીઓમાં મોટાપાયે છટણી થઈ છે.