કેનેડાના આલ્બર્ટાના પ્રાંતમાં ભારતીય મૂળના 24 વર્ષીય શીખ વ્યક્તિનું ગોળી વાગવાથી મૃત્યુ થયું છે, પોલીસે મૃત્યુનું કારણ હત્યા ગણાવ્યું હતું. કેનેડામાં આ મહિને આવી બીજી ઘટના છે.
એડમોન્ટન પોલીસે જણાવ્યું હતું કે મૃતકની ઓળખ સનરાજ સિંઘ તરીકે થઈ હતી. એડમોન્ટન શહેરમાં ગોળીબારની ઘટના બની હતી. સિંહ ઘાયલ અવસ્થામાં વાહનમાં બેઠેલા જોવા મળ્યા હતા. ઇમર્જન્સી મેડિકલ સર્વિસે તેમને મૃત જાહેર કર્યા હતા.
અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ઓટોપ્સી રિપોર્ટમાં મોતનું કારણ હત્યા આપવામાં આવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, એક શંકાસ્પદ વાહન આ વિસ્તારમાંથી બહાર નીકળતું જોવા મળ્યું હતું, અને તપાસકર્તાઓએ તેના ફોટા જાહેર કર્યા હતા. 3 ડિસેમ્બરની રાત્રે કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ માટે રહેવાસીઓને તેમના સીસીટીવી કેમેરા અથવા ડેશકેમ ફૂટેજ તપાસવા માટે પણ કહેવામાં આવ્યું હતું.
અગાઉ 3 ડિસેમ્બરે ઓન્ટારિયો પ્રાંતમાં ટાર્ગેટ હુમલામાં 21 વર્ષીય શીખ મહિલા પવનપ્રીત કૌરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નવેમ્બરમાં, બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં એક હાઈસ્કૂલના પાર્કિંગમાં 18 વર્ષીય ભારતીય મૂળની કિશોર મહેકપ્રીત શેઠીની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી.