કેનેડાના એડમોન્ટન શહેરમાં ગુરુવારે ગેંગવોરમાં ભારતીય મૂળના એક શીખ અને તેના 11 વર્ષના પુત્રની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ શીખ કેનેડામાં સંગઠિત અપરાધમાં મોટું નામ હતું.
એડમોન્ટન પોલીસ અધિકારી કોલિન ડર્કસેને શુક્રવારે મીડિયાને જણાવ્યું હતું કે 41 વર્ષીય હરપ્રીત સિંઘ ઉપ્પલ અને તેના પુત્રને ગુરુવારે ધોળા દિવસે એક ગેસ સ્ટેશનની બહાર ગોળી મારીને હત્યા કરાઈ હતી. હુમલાના સમયે ઉપ્પલની કારમાં બેઠેલા બીજા એક યુવાનને કોઇ શારીરિક ઇજા થઈ ન હતી. શૂટર અથવા શૂટર્સને ખબર પડી કે પુત્ર કારમાં બેઠેલો છે ત્યારે તેઓએ જાણી જોઈને તેને ગોળી મારી હતી. પોલીસે જણાવ્યું હતું કે અગાઉ ગેંગના સભ્યો બાળકોની હત્યા કરતાં ન હતા, પરંતુ હવે તે પણ બદલાઈ રહ્યું છે. પોલીસે ઉપ્પલના પુત્રનું નામ જાહેર કર્યું ન હતું.
પોલીસને બ્યૂમોન્ટમાં આગને હવાલે કરવામાં આવેલી 2012 BMW X6 કાર મળી આવી હતી. આ શંકાસ્પદ વ્હિકલમાં કોઇ વ્યક્તિ ન હતી. શુક્રવાર સવાર સુધીમાં પોલીસે કોઈ ધરપકડ કરી ન હતી અને કોઈ શંકાસ્પદની ઓળખ કરી ન હતી.
ઉપ્પલ એડમોન્ટનના સંગઠિત અપરાધની દુનિયામાં મોટું નામ હતું, પરંતુ તે કોઈ ચોક્કસ જૂથો સાથે સંકળાયેલો હતો કે નહીં તે અંગે પોલીસે માહિતી આપી ન હતી. ઉપ્પલ સામે કોકેઈનની હેરફેર તેમજ બોડી આર્મર રાખવાાના આરોપો હતા. તેની સામે એપ્રિલ 2024માં ટ્રાયલ શરૂ થવાની હતી. તેના પર માર્ચ 2021થી એક કેસના સંબંધમાં હથિયારથી હુમલો કરવાનો અને હથિયારનો અનધિકૃત કબજો રાખવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો.
ઉપ્પલ બ્રધર્સ કીપર્સના નામના સંગઠનનો અગ્રણી સહયોગી હોવાનું માનવામાં આવે છે. યુએન ગેંગ અને બીકે વચ્ચેના ગેંગવોરમાં આ હત્યા થઈ હોવાનું માનવામાં આવે છે. એક દિવસ પહેલા ટોરોન્ટોમાં યુએન ગેંગસ્ટર પરમવીર ચાહિલની ગોળી મારીને હત્યા કરાઈ હતી. આ હત્યા વચ્ચે કનેક્શન હોવાની શક્યતાં છે.