છેલ્લા પખવાડિયામાં વેસ્ટ મિડલેન્ડ્સમાં મોતને ભેટેલા લગભગ અડધા એટલે કે 47 ટકા શીખના મૃત્યુ પાછળ કોવિડ-19 જવાબદાર હોવાનો દાવો કરી શીખ ફેડરેશન અને અન્ય સમુદાયીક જૂથોએ સરકારને આ મોત અંગે સલાહ લેવાની વિનંતી કરી છે. વુલ્વરહેમ્પ્ટનમાં લંડનની બહાર યુકેના સૌથી મોટો શીખ સમુદાય વસી રહ્યો છે.
શીખ નેટવર્ક, શીખ કાઉન્સિલ યુકે અને શીખ ફેડરેશન (યુકે) હવે ગુરુદ્વારાઓ અને ફ્યુનરલ ડાયરેક્ટર્સ પાસેથી અંતિમ સંસ્કારના ડેટા એકત્રિત કર્યા પછી સરકારને પરામર્શ માટે હાકલ કરી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડાઉનિંગ સ્ટ્રીટે એનએચએસ અને પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ દ્વારા COVID-19 દ્વારા વંશીય લઘુમતીઓના અપ્રમાણસર મૃત્યુની તપાસ કરવાની જાહેરાત કરી છે.
શીખ ફેડરેશન (યુકે) ના અધ્યક્ષ ભાઈ અમેરિક સિંહે કહ્યું હતુ કે “શીખ પૃષ્ઠભૂમિના લોકોને ડાયાબિટીઝ, હ્રદય રોગની સ્થિતિ વગેરે વિશે અગ્રણી તબીબી જર્નલમાં નોંધ લેવાઈ છે. તેથી, વંશીયતાને ધ્યાનમાં રાખીને જાહેર સંસ્થાઓ અને નિર્ણય લેનારાઓએ સૌથી વધુ જોખમ ધરાવતા લોકોને સમયસર અને યોગ્ય સલાહ પૂરી પાડવી જોઇએ. અમને આશા છે કે એનએચએસ અને પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ શરૂઆતથી જ આપણા અને અન્ય વંશીય લઘુમતી જૂથો સુધી પહોંચી વય, તબીબી સ્થિતિ, સામાજિક ટેવ, ધાર્મિક વ્યવહાર અને વિસ્તૃત પરિવારોના સંયોજનને શ્રેષ્ઠ રીતે સમજી યોગ્ય માર્ગદર્શન આપશે.”
સરકાર દ્વારા મૃત્યુની નોંધણી પ્રક્રિયા દરમિયાન વંશીયતા અને ધર્મ બાબતે નોંધ કરવામાં આવતી નથી અને તેથી સરકાર પાસે તે અંગેના ડેટા હોતા નથી.
ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટીક્સે (ઓએનએસ) ઇંગ્લેન્ડ અને વેલ્સમાં થયેલા મૃત્યુમાં 21.2 ટકા મોત પાછળ કોવિડ-19 જવાબદાર હોવાનુ જણાવ્યુ હતુ. વેસ્ટ મિડલેન્ડ્સમાં આ પ્રમાણ 22.1 ટકા અને લંડનમાં મૃત્યુનું પ્રમાણ સૌથી વધુ 46 ટકા જોવા મળ્યું હતું.