નવા વર્ષથી સ્વિગી અને ઝોમાટો જેવા ઓનલાઇન પ્લેટફોર્મ પાસેથી ફૂડ મંગાવવાનું, ઓલા ઉબેરના ટુ અને થ્રી વ્હિલરમાં ફેરવાનું અને પગરખા પહેરેવાનુ પણ મોંઘુ થયું છે. જીએસટીના વ્યાપમાં વધારો કરવાના સરકારના નિર્ણયને પગલે ઝોમાટો અને સ્વિગી જેવા પ્લેટફોર્મ પહેલી જાન્યુઆરીથી પાંચ ટકા લેખે ટેક્સ ગ્રાહક પાસેથી વસૂલ કરશે અને સરકારમાં જમા કરશે. આ ઓનલાઇન પ્લેટફોર્મ અત્યાર સુધી જીએસટી હેઠળ આવતા ન હતા. હાલમાં જીએસટી હેઠળ રજિસ્ટ્રર્ડ રેસ્ટાંરો જીએસટી વસૂલ કરે છે અને ટેક્સ જમા કરે છે.
ઉબેર અને ઓલા જેવી કેબ એગ્રેગેટર્સ પહેલી જાન્યુઆરીથી ટુ અને થ્રી વ્હિકલના બુકિંગ માટે 5 ટકા જીએસટી વસૂલ કરીને ટેક્સ જમા કરાવશે. આ ઉપરાંત તમામ પ્રકારના ફૂડવેર પર 12 ટકા જીએસટી લાદવામાં આવ્યો છે.
કરચોરીને ટાળવા માટે જીએસટી કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે. તેનાથી કરદાતાના GSTR 2B (પર્ચેઝ રિટર્ન)માં ઇનપુટ ટેક્સ ક્રેડિટની એન્ટ્રી પડ્યા પછી જ ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઉપલબ્ધ બનશે. અગાઉ પાંચ ટકા પ્રોવિઝનલ ક્રેડિટ મળતી હતી. પહેલી જાન્યુઆરી 2022થી તે બંધ કરવામાં આવી છે.
જીએસટી રિફંડ માટે આધાર ઓથેન્ટિફિકેશન ફરજિયાત બન્યું છે અને વેપારીઓએ ટેક્સ ભર્યો નહીં તેવા કિસ્સામાં GSTR-1 ફાઇલ કરવાની ફેસિલિટી બંધ કરાઈ છે અને અગાઉના મહિનાનું તાકીદે GSTR-3B ફાઇલ કરવું પડશે.