લેબર પાર્ટીના ટ્રેઝરીના શેડો ચીફ સેક્રેટરી અને એમપી ડેરેન જોન્સ, વોટફોર્ડના પ્રોસ્પેક્ટીવ લેબર પાર્લામેન્ટરી કેન્ડીડેટ મેટ ટર્માઈન અને કાર્યકર્તાઓની ટીમે લેબર પાર્ટીના સામાન્ય ચૂંટણી પ્રચારના ભાગરૂપે તા. 6 જૂનના રોજ સિગ્મા ફાર્માસ્યુટિકલ્સ પીએલસીની નવી વોટફોર્ડ સાઇટની મુલાકાત લીધી હતી. લેબર પાર્ટીએ કોમ્યુનિટી ફાર્મસીઓને સમર્થન આપવાનું વચન આપ્યું છે અને જો તેઓ સત્તામાં આવશે તો આ ઉદ્યોગ માટે ખૂબ જ જરૂરી સંસાધનો ફાળવશે તેવી જાહેરાત કરી છે.

મુલાકાત દરમિયાન, લેબર પ્રતિનિધિમંડળ સિગ્માના ડિરેક્ટરો અને સ્થાપક સભ્ય ડૉ. ભરત શાહ CBE તથા સીગ્માની ટીમના અગ્રણીઓને મળ્યા હતા અને પ્રદેશ અને સમગ્ર દેશમાં વધતા બિઝનેસીસ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર માટે રોકાણ અને સમર્થન તથા જેનરિક દવાઓના મહત્વ વિશે ચર્ચા કરી હતી.

સિગ્મા ફાર્માસ્યુટિકલ્સ વોટફોર્ડના સૌથી મોટા એમ્પ્લોયર છે અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ઇસ્ટ ઇંગ્લેન્ડમાં નોંધપાત્ર યોગદાન આપે છે, જે પ્રદેશના ઉત્પાદન ગ્રોસ વેલ્યુ એડેડ (GVA) ના 12.3 ટકા હિસ્સો ધરાવે છે.

સિગ્માની કામગીરીથી પ્રભાવિત થઈને, જોન્સે કોમ્યુનિટી ફાર્મસીને ટેકો આપવા અને બ્રિટનમાં હાઈ સ્ટ્રીટ ફાર્મસીમાં વધુ રોકાણની લેબરની પ્રતિબદ્ધતા બાબતે જણાવ્યું હતું કે “યુકેમાં કોમ્યુનિટી ફાર્મસી માટે સિગ્માએ જે હાંસલ કર્યું છે તેનાથી અમે ખૂબ પ્રભાવિત થયા છીએ અને તેમના વોટફર્ડ યુનિટના કદ અને વ્યાપથી અમે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કોમ્યુનિટી ફાર્મસીને ટેકો આપવા અને રાષ્ટ્રના સ્વાસ્થ્ય અને સુખાકારીના આ મહત્વપૂર્ણ ભાગ માટે સરકારી મદદને ટકાવી રાખવા અને ખૂબ જ જરૂરી સંસાધનો બહાર પાડવાની વધુ સારી રીત માટે પ્રયત્ન કરવા તે લેબર પાર્ટીની પ્રતિજ્ઞા છે.”

ડૉ. શાહે લેબર ટીમની સ્વાગત કરતા કહ્યું હતું કે “ડેરેન, મેટ અને લેબર પાર્ટીની ટીમે અમારા બિઝનેસની સમયસર મુલાકાત લીધી તે ખૂબ સરસ હતું. અમને આશા છે કે નવી સરકાર સક્રિય થશે અને સ્થાનિક ફાર્મસીની જરૂરિયાતોને પહોંચી વળવા ગંભીર નીતિગત નિર્ણયોનો અમલ કરશે અને આપણા રાષ્ટ્રના સ્વાસ્થ્યમાં તેઓ જે મહત્વની ભૂમિકા ભજવે છે તેની પ્રશંસા કરશે.”

ગ્રૂપના સીઈઓ હતુલ શાહે લેબર ટીમને નીતિ અને પ્રસ્તાવિત પગલાં વિશે અસંખ્ય પ્રાસંગિક પ્રશ્નો પૂછ્યા હતા. સિગ્માના કોમર્શિયલ ડાયરેક્ટર, રાજ હરિયાએ કંપનીની રોજિંદી પ્રવૃત્તિઓની માહિતી આપી ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં અનુભવાતી વર્તમાન નાણાકીય અસરની માહિતી આપી હતી.

જોન્સ અને તેમની ટીમે સિગ્માની નવી વોટફોર્ડ ફેસીલીટી ખાતે ડોકટરો દ્વારા પ્રિસ્ક્રાઇબ કરાયેલી દવાઓને હેન્ડલ કરવી, પેકિંગ કરવા અને પહોંચાડવા માટેની કંપનીની અદ્યતન પ્રક્રિયાઓ જોઈ હતી.

LEAVE A REPLY