સુપ્રીમ કોર્ટે 34 વર્ષ જૂના રોડરેજ કેસમાં પંજાબ કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિધુને એક વર્ષની જેલની સજા ફટકારી છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં પરાજયના થોડા મહિનામાં ક્રિકેટરમાંથી રાજકીય નેતા બનેલા સિધુ માટે આ વધુ એક ફટકો છે. 58 વર્ષના સિધુએ આકરી કેદની સજા ભોગવા માટે કોર્ટ સમક્ષ હાજર થવું પડશે.
રોડરેજનો આ કેસ છેક 1988નો છે. સિધુને પટિયાલામાં પાર્કિગ મુદ્દે 65 વર્ષના ગુરુનામ સિંહ નામની વૃદ્ધ વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. એવો આરોપ છે કે બંને વચ્ચે મારામારી થઈ હતી, જેમાં સિધુએ કથિત રીતે ગુરુનામ સિંહને મુક્કો માર્યો હતો. પછીથી ગુરુનામ સિંહનું મૃત્યુ થયું હતું. પોલીસે નવજોત સિંહ સિધુ અને તેમના એક મિત્ર રૂપિંદર સિંહ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો.
1999માં પટિયાલાની સેશન કોર્ટે સિધુ અને તેના મિત્રને પુરાવાને અભાવે શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કર્યો હતા. આ આદેશને પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટમાં પડકારાયો હતો. 2006માં હાઇકોર્ટે ત્રણ વર્ષની જેલની સજા કરી હતી. હાઈકોર્ટે કરેલી સજાની વિરુદ્ધ નવજોત સિંહ સિધુ સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. સુપ્રીમ કોર્ટે 16 મે 2018ના રોજ સિદ્ધુને ઈરાદા વગરની હત્યાના આરોપમાં લાગેલી કલમ 304IPCમાં નિર્દોષ છોડ્યો હતો. જોકે IPCની કલમ 323 એટલે કે ઈજા પહોંચાડવાના મામલામાં સિદ્ધુને દોષિત ઠેરવ્યો હતો. તેમાં તેને જેલની સજા થઈ નહોતી. સિદ્ધુને માત્ર એક હજાર રૂપિયાનો દંડ ફટકારીને છોડી દેવામાં આવ્યો હતો. જોકે મૃતક ગુરનામ સિંહના પરિવારે સુપ્રીમ કોર્ટને તેના આદેશની સમીક્ષા કરવાની અરજી કરી હતી અને સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે.