નોર્થ વેસ્ટ લંડનના હેરો ખાતે આવેલા અને હેરોના હરિદ્વારની ઉપમા મેળવનાર ઇન્ટનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર – હિન્દુ મંદિરની તા. ૧૯ એપ્રિલના રોજ લગભગ ૨૦ જેટલા પોલીસ અધિકારીઓએ મુલાકાત લઇ હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ વિષે સમજ મેળવી હતી.
સંસ્થાના સંસ્થાક શ્રી રાજરાજેશ્વર ગુરુજી પાસેથી સર્વે પોલીસ અધિકારીઓએ હિન્દૂ ધર્મ અને સંસ્કૃતિ વિષેની માહિતી મેળવી હતી. શ્રી ગુરૂજીએ મંદિરમાં પ્રવેશ કરતી વખતે આપણા બુટ – ચંપલ કેમ કાઢવા જોઇએ, તિલક-આરતીનું મહત્વ, હિન્દુ ધર્મના મુખ્ય ભગવાન, પૂજા વિધિ વગેરે બાબતો અંગે માહિતી અને સમજ આપી હતી.
ઉપસ્થિત બધા ઑફિસરોએ સિદ્ધાશ્રમમાં પ્રસાદ લઇ ભગવાન શિવનો અભિષેક કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સિદ્ધાશ્રમ દ્વારા હિન્દુ સમુદાયની ધાર્મિક માન્યતાઓ, રીત રીવાજ અને સંસ્કૃતિ અંગે લોકોમાં સમજ કેળવાય તે માટે પોલીસ, હોમ ઓફિસ, ફાયર બ્રિગેડ અને અન્ય અધિકારીઓ અને લોકો માટે અવારનવાર આવા કાર્યક્રમોનું આયોજન થતું રહે છે.