તા. ૧૮ મેના રોજ નોર્થ વેસ્ટ લંડનના હેરોમા આવેલ ઇન્ટનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર – હિન્દુ મંદિરમાં લગભગ ૩૦ જેટલા પોલીસ અધિકારીઓએ મુલાકાત લઇને સંસ્થાના સંસ્થાપક સનાતન ધર્મભુષણ શ્રી રાજરાજેશ્વર ગુરૂજી પાસેથી હિન્દુ ધર્મ વિષે માહિતી મેળવી હતી. ગુરૂજીએ સનાતન હિન્દુ ધર્મ અને મંદિરમાં પ્રવેશ, પૂજા, ભક્તિના નિયમો, મુખ્ય ભગવાન તેમજ અન્ય માહિતી અંગે જાણકારી આપી હતી. વિશેષમાં બધા ઑફિસર્સને સિધ્ધાશ્રમમાં પ્રસાદ અને ભગવાન શિવની તાંડવ સ્વરૂપ પ્રતિમા ભેટ આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સિદ્ધાશ્રમ દ્વારા હિન્દુ સમુદાયની ધાર્મિક માન્યતાઓ, રીત રીવાજ અને સંસ્કૃતિ અંગે લોકોમાં સમજ કેળવાય તે માટે પોલીસ, હોમ ઓફિસ, ફાયર બ્રિગેડ અને અન્ય અધિકારીઓ અને લોકો માટે અવારનવાર આવા કાર્યક્રમોનું આયોજન થતું રહે છે.