હેરોના ઈન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ કેન્દ્ર દ્વારા ગુરુવાર તા. 17 માર્ચ 2022ના રોજ લંડનના હેરો સિવિક સેન્ટરના કાર પાર્ક E માં રંગોના તહેવાર હોળીની ખુશ્નુમાભર્યા વાતાવરણમાં આનંદ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે પૂ. શ્રી રાજરાજેશ્વર ગુરુજી તેમજ સ્વયંસેવકો દ્વારા સૌનુ ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. ઉત્સવની ઉજવણી માટે સેંકડો લોકો તેમના પરિવારો સાથે ઉમટી આવ્યા હતા જેમના માટે જેશામ કોન્ટ્રાક્ટર અને તેમની ટીમના સ્વયંસેવકો દ્વારા હોલિકા દહન પ્રસંગે કાળજીપૂર્વક સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
આ પ્રસંગે હેરોના મેયર, કાઉન્સિલર ગઝનફર અલી, હેરો કાઉન્સિલના નેતા કાઉન્સિલર ગ્રેહામ હેન્સન, હેરો-ક્લેટન મરેના લંડન ફાયર બ્રિગેડના બરો કમાન્ડર, મેટ્રોપોલિટન પોલીસ સર્વિસના ઇન્સ્પેક્ટર ડેવિડ જોન્સ, સેન્ટ જોન્સ એમ્બ્યુલન્સના કામ જાની, ભૂતપૂર્વ મેયર ભગવાનજી ચૌહાણ, શ્રીમતી ચૌહાણ, હેરોના ભૂતપૂર્વ મેયર રેખા શાહ, ભૂતપૂર્વ GLA સભ્ય નવીનભાઇ શાહ, ભૂતપૂર્વ ટોરી કાઉન્સિલર મનજીભાઇ કારા, યોગેશ તેલી, હેરોના પૂર્વ મેયર અજય મારૂ, હેરો ઈન્ટરફેઈથ ચેર સોનુ મલકાણી સહિત અગ્રણી રાજકારણીઓ અને સ્થાનિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત પૂ. ગુરુજીએ અભિવાદન સાથે કરી હતી અને સૌ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. સિદ્ધાશ્રમના પૂજારી દ્વારા વિશેષ પ્રાર્થના સાથે હોળી પ્રજ્જવલિત કરવામાં આવી હતી અને હોળીની પૂજા – અર્ચના કેવી રીતે કરવી તે વિષે માર્ગદર્શન આપ્યું હતું. મહેમોનાએ હોળી માતાની પૂજા કરી પ્રસાદ અર્પણ કર્યો હતો.
સેન્ટરના પ્રવક્તા તરીકે શ્રીમતી મલકાણીએ હોલી ઉત્સવ અંગે જાણકારી આપી હતી. આ પ્રસંગે લોકોએ ખાણીપીણીના સ્ટોલ પરથી વડાપાવ, પાણી પુરી સહિત અન્ય વાનગીઓ અને હોળી ગીતોની લીજ્જત માણી હતી તેમજ એક બીજાને રંગ લગાવી ઉત્સવની ઉજવણી કરી હતી. આ પ્રસંગે મફત કાર પાર્કિંગનો સૌએ લાભ લીધો હતો.
ગરવી ગુજરાત અને ઈસ્ટર્ન આઈની નકલોનું નિ:શુલ્ક વિતરણ કરાયું હતું. સંસ્કાર ટીવી અને અન્ય ચેનલોએ આ કાર્યક્રમને આવરી લીધો હતો. સિદ્ધાશ્રમના ટ્રસ્ટી અને PRO દિલીપ ચૌબલે મહાનુભાવોનો પરિચય કરાવ્યો હતો.