બોલીવૂડના યુવા અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુને ઘણો લાંબો સમય થઇ ગયો છે. તેની આત્મહત્યાના કેસની તપાસ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા કરવામાં આવી રહી છે. આ કેસની તપાસ ક્યાં સુધી પહોંચી તે સ્થિતિ જાણવા માટે સુપ્રીમ કોર્ટમાં તાજેતરમાં એક અરજી થઇ હતી. જે અંગેની સુનાવણીમાં મુખ્ય ન્યાયમૂર્તિ એસએસ બોબડેએ જણાવ્યું હતું કે, અમે આ અરજી પર વિચાર નહીં કરીએ, તેને ફગાવવામાં આવે છે. તેના માટે હાઇકોર્ટમાં જાવ, જ્યાં તપાસ થઇ રહી છે.
અરજદાર પુનિત ઢાન્ડાએ આ અરજી અંદાજે ચાર મહિના અગાઉ કરી હતી. પુનિતે અપીલ કરી હતી કે સુપ્રીમ કોર્ટ તપાસ એજન્સીને એ જણાવવા આદેશ આપે કે કેસની તપાસ ક્યાં સુધી પહોંચી છે. અરજદારે એવી પણ માગ કરી હતી કે તપાસ એજન્સી બે મહિનાની અંદર આ કેસને પૂર્ણ કરે. તેમણે અંતિમ તપાસનો રીપોર્ટ કોર્ટને સોંપવાની માગણી પણ કરી હતી.
અરજદારે દલીલ કરી હતી કે, કોર્ટે સમય મર્યાદા નક્કી કરવી જોઈએ જેથી સમય પર નિર્ણય થઇ શકે. CBI જવાબદારીથી કામ નથી કરી રહી અને તપાસમાં સમય લઇ રહી છે. 19 ઓગસ્ટ 2020ના રોજ આ કેસની CBI તપાસના આદેશ કોર્ટે આપ્યા હતા. તપાસમાં હજુ સુધી એજન્સી કોઈ તથ્ય સુધી પહોંચી નથી. સુશાંત સિંહનો પરિવાર, મિત્રો અને ચાહકો તેના મૃત્યુની વિગત જાણવા ઈચ્છે છે.