ન્યૂઝીલેન્ડ સામે 18 જાન્યુઆરીએ હૈદરાબાદમાં રમાઈ રહેલી પ્રથમ વન-ડે મેચમાં શુભમન ગિલ બેવડી સદી ફટકારનારો પાંચમો ભારતીય બેટર બન્યો હતો. ભારત તરફથી શુભમન ગિલ પહેલા સચિન તેંડુલકર, વિરેન્દ્ર સહેવાગ, રોહિત શર્મા અને ઈશાન કિશન પણ વન-ડેમાં બેવડી સદી ફટકારી ચૂક્યા છે.વેસ્ટ ઈન્ડિઝનો ક્રિસ ગેઈલ, પાકિસ્તાનનો ફકર ઝમાન અને ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલે પણ વન-ડેમાં બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ નોંધાવ્યો છે.
શુભમન ગિલ તેની કારકિર્દીની પ્રથમ બેવડી સદી હતી. શુભમન ગિલ વન-ડેમાં બેવડી સદી ફટકારનારો ભારતનો પાંચમો અને વિશ્વનો આઠમો ક્રિકેટર બન્યો હતો. તેને 149 બોલમાં 19 ચોગ્ગા અને 9 સિક્સરની મદદથી 208 રન ફટકાર્યા હતા.
શુભમન ગિલે 145 બોલમાં પોતાની પ્રથમ બેવડી સદી પૂરી કરી હતી. તેને સળંગ ત્રણ સિક્સર ફટકારીને બેવડી સદી પૂરી કરી લીધી હતી. તેને લોકી ફર્ગ્યુસનની ઓવરમાં સળંગ ત્રણ બોલ પર ત્રણ સિક્સર ફટકારી હતી.
શુભમન ગિલે વન-ડેમાં બેવડી સદી ફટકારીને કેટલાક રેકોર્ડ્સ તોડી નાંખ્યા છે. તે વન-ડેમાં બેવડી સદી ફટકારનારો સૌથી યુવાન ક્રિકેટર બની ગયો છે. તેણે ઈશાન કિશનનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. ગિલે 23 વર્ષ અને 132 દિવસની ઉંમરે બેવડી સદી ફટકારી છે. આ ઉપરાંત તે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સૌથી મોટી ઈનિંગ્સ રમનારો બેટર પણ બની ગયો છે. ગિલે સચિન તેંડુલકરના રેકોર્ડને તોડી નાંખ્યો છે. સચિને પણ હૈદરાબાદમાં 1999માં ન્યૂઝીલેન્ડ સામે 186 રન ફટકાર્યા હતા