જૈન સમુદાયના પવિત્ર તીર્થસ્થાન ‘શ્રી સમેદ શિખરજી’ને પ્રવાસન સ્થળમાં ફેરવવાના ઝારખંડ સરકારના નિર્ણય અને ગુજરાતના પાલિતાણામાં મંદિરના તોડફોડના વિરોધમાં જૈન સમાજના સભ્યોએ રવિવાર, પહેલી જાન્યુઆરીએ નવી દિલ્હી, મુંબઈ સહિતના શહેરોમાં ઉગ્ર દેખાવો કર્યા હતા અને રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપ્યું હતું.
જૈન સમાજના લોકો નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં એકત્ર થયા હતા અને ઉગ્ર દેખાવો કર્યા હતા. આ પછી રાષ્ટ્રપતિભવન તરફ કૂચ કરીને રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપ્યું હતું. દેખાવકારોએ જણાવ્યું હતું કે ઝારખંડ સરકારના નિર્ણયથી જૈન સમુદાયના ઐતિહાસિક પવિત્ર સ્થળોને નુકસાન થશે.
પારસનાથ પર્વત અને તીર્થરાજ સમેદ શિખરજીને ઈકો-ટૂરિઝમ સ્પોટમાં ફેરવવાના ઝારખંડ સરકારના નિર્ણયનો જૈન સમુદાયે વિરોધ કર્યો હતો. ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં પારસનાથ પહાડીઓ પર સ્થિત સમ્મેદ શિખરજી જૈન સમુદાયનું સૌથી મોટું તીર્થધામ છે. એવું માનવામાં આવે છે કે 24 માંથી 20 તીર્થંકરો (જૈન આધ્યાત્મિક આગેવાનો)ને સંમેદ શિખરજીમાં મોક્ષ મળ્યો હતો.પારસનાથ હિલ્સ ખાતે ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની હેમંત સોરેન સરકારના પગલા સામે સમુદાયના સભ્યો વિરોધ કરી રહ્યા છે.
ગુજરાતના પાલીતાણામાં ગેરકાયદેસર ખાણકામ અને ગેરકાયદેસર દારૂના વેચાણ પર પ્રતિબંધની માંગ સાથે મુંબઈમાં જૈન સમુદાયના ઓછામાં ઓછા 50,000 લોકોએ વિરોધી દેખાવો કર્યા હતા. પાલિતાણા જૈન સમુદાયનું પવિત્ર સ્થળ છે.
સમુદાયે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરી હતી. કોર્ટે અવલોકન કર્યું હતું કે સમુદાયની લાગણીઓને ઠેસ ન પહોંચાડવી જોઈએ. મહારાષ્ટ્રના પ્રધાન એમ પી લોઢાને ટાંકીને ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે “અમે પાલીતાણા અને ઝારખંડ સરકારના નિર્ણય સામે મંદિરમાં તોડફોડનો વિરોધ કરી રહ્યા છીએ. ગુજરાત સરકારે પગલાં લીધાં છે, પરંતુ અમે તેમની સામે કડક પગલાં લેવા માંગીએ છીએ (જેમણે મંદિરમાં તોડફોડ કરી) આજે 5 લાખથી વધુ લોકો રસ્તા પર છે.”
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આવો જ વિરોધ કરવામાં આવ્યો હતો જ્યારે જૈન સમુદાયના હજારો ભક્તોએ આ મહિનાની શરૂઆતમાં જૈન તીર્થસ્થાન કેન્દ્ર સમેદ શિખરજીને ઈકો-ટૂરિઝમ સ્પોટમાં ફેરવવાના ઝારખંડ સરકારના નિર્ણય સામે કૂચમાં ભાગ લીધો હતો.
આ પહેલાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ જૈન સમાજનું સમર્થન કરવામાં આવ્યું હતું. VHPએ ઝારખંડ સરકારને પાર્શ્વનાથ સમેદ શિખરજીની મર્યાદા, પવિત્રતા અને અનુશાસન મુજબ ત્રણ મુદ્દાની માગ પર તાત્કાલિક, કડક અને સીધો હસ્તક્ષેપ કરવા અને તેના માટે સમુચિત ઉપાય કરવાનો આગ્રહ કર્યો છે. વિશ્વ હિન્દુ પરિષદે ઈન્દોરમાં ચાલી રહેલા મહત્વપૂર્ણ ચિંતન દરમિયાન આ મામલે કહ્યું કે તીર્થનો વિકાસ શ્રદ્ધા તેમજ આસ્થાનુરુપ હોય, ન કે પર્યટન કેન્દ્રના રૂપમાં. પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ અને વરિષ્ઠ અધિવક્તા આલોક કુમારે કહ્યું કે શાશ્વત સિદ્ધ પાશ્વનાથ પર્વતરાજ અને તીર્થરાજ સમેદ શિખરની મર્યાદા અને પવિત્રતાના રક્ષાર્થે જૈન સમાજની ચિંતાથી વિશ્વ હિન્દુ પરિષદ સહમત છે.