શ્રેયસ ઐયર (58*), લોકેશ રાહુલ (56)ની અડધી સદી અને વિરાટ કોહલીના 45 રનની મદદથી ભારતે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટી-20 મેચમાં 6 વિકેટે વિજય મેળવ્યો છે. ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 5 વિકેટે 203 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 19 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 204 રન બનાવી લીધા હતા. આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી છે. બંને વચ્ચે બીજી ટી-20 મેચ 26 જાન્યુઆરીએ ઓકલેન્ડમાં રમાશે.
રોહિત શર્મા 7 રન બનાવી આઉટ થતા ભારતની શરુઆત ખરાબ રહી હતી. આ પછી લોકેશ રાહુલ (56) અને કોહલીએ (45) બીજી વિકેટ માટે 99 રનની ભાગીદારી નોંધાવી બાજી સંભાળી હતી. રાહુલ 27 બોલમાં 4 ફોર અને 3 સિક્સર સાથે 56 રને આઉટ થયો હતો. શિવમ દુબે 13 રને આઉટ થયો હતો. આ પછી શ્રેયસ ઐયર અને મનીષ પાંડેએ 5.4 ઓવરમાં 62 રનની અતૂટ ભાગીદારી કરી ટીમની જીત અપાવી હતી. ઐયર 29 બોલમાં 5 ફોર અને 3 સિક્સર સાથે 58 રન બનાવી અણનમ રહ્યો હતો. પાંડે 14 રને અણનમ રહ્યો હતો.
આ પહેલા ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. માર્ટિન ગુપ્ટિલ 19 બોલમાં 30 રન બનાવી દુબેનો શિકાર બન્યો હતો. ગુપ્ટિલ અને મુનરોએ પ્રથમ વિકેટ માટે 80 રનની ભાગીદારી નોંધાવી હતી. મુનરોએ બાજી સંભાળી અડધી સદી પુરી કરી હતી.
મૂનરા 42 બોલમાં 6 ફોર અને 2 સિક્સર સાથે 59 રન બનાવી આઉટ થયો હતો. વિલિયમ્સને પણ શાનદાર બેટિંગ કરતા 26 બોલમાં 4 ફોર અને 4 સિક્સર સાથે 51 રન બનાવ્યા હતા. રોસ ટેલરે 27 બોલમાં 3 ફોર અને 3 સિક્સર સાથે અણનમ 54 રન બનાવી સ્કોર 200 રનને પાર પહોંચાડ્યો હતો. ભારતના બુમરાહ, શાર્દુલ ઠાકુર, ચહલ, દુબે અને જાડેજાએ 1-1 વિકેટ ઝડપી હતી.