શ્રીલંકામાં બુરખા પર પ્રતિબંધ મૂકાશે અને આશરે 1,000 ઈસ્લામિક સ્કૂલો પણ બંધ કરાશે, એમ જાહેર સુરક્ષા પ્રધાન સારથ વીરાસેકેરાએ શનિવારે જણાવ્યું હતું. સરકારના આ નિર્ણયથી લઘુમતી મુસ્લિમ સમુદાયને અસર થશે. યુરોપના અનેક દેશોએ બુરખા પર પ્રતિબંધ મૂકી દીધો છે અને તાજેતરમાં સ્વિટ્ઝર્લેન્ડમાં પણ બુરખા પર પ્રતિબંધ માટે જનમત લેવાયો હતો.

પ્રધાનને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમણે બુરખા પર પ્રતિબંધ મૂકવા માટે કેબિનેટ મંજૂરી માટેની નોંધ પર શુક્રવારે હસ્તાક્ષર કર્યા હતા. આ બિલ કેબિનેટમાંથી પસાર થશે તો શ્રીલંકાની સંસદ તેના પર કાયદો બનાવી શકે છે. પ્રધાને કહ્યું હતું કે, સરકારે એક હજારથી વધુ મદરેસા ઈસ્લામિક સ્કૂલો પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી છે. આ મદરેસા શ્રીલંકાની રાષ્ટ્રીય શિક્ષણ નીતિઓના ધજાગરા ઉડાવે છે. તેમણે આકરા શબ્દોમાં કહ્યું કે કોઈપણ સ્કૂલ ખોલી શકશે નહીં અને બાળકોને તમે જે પણ ઈચ્છો છો તે શીખવાડી શકશો નહીં.

પ્રધાને જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં મુસ્લિમ મહિલાઓ અને છોકરીઓ બુરખા પહેરતી ન હતી. આ તાજેતરમાં જ આવેલા ધાર્મિક કટ્ટરવાદનો સંકેત છે. અમે નિશ્ચિતરૂપે બુરખો પહેરવા પર પ્રતિબંધ મૂકવા જઈ રહ્યા છીએ. માનવામાં આવે છે કે આ કાયદાથી શ્રીલંકામાં મુસ્લિમોમાં ગુસ્સો વધી શકે છે.

બૌદ્ધ બહુમતી ધરાવતા શ્રીલંકામાં વર્ષ ૨૦૧૯માં ઈસ્લામિક આતંકવાદીઓએ ચર્ચ અને હોટેલો પર હુમલો કર્યા પછી થોડાક સમય માટે બુરખો પહેરવા પર પ્રતિબંધો મૂકાયા હતા. આ હુમલામાં ૨૫૦થી વધુ લોકોનાં મોત થયા હતા. આ કેસમાં શ્રીલંકાએ અનેક આરોપીઓની ધરપકડ પણ કરી હતી.