ડો. યુવા અય્યર આયુર્વેદિક
ફિઝિશિયન
વજન ઉતારવા માટે કસરત કરવાની સલાહ આપવામાં આવે છે. તો પછી વજન વધારવા માટે પણ કસરત કરવાથી ફાયદો શી રીતે થઇ શકે?
આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે,
• કસરત એટલે શું?
• કસરતથી શું ફાયદા થાય છે?
• કસરત કેટલા પ્રમાણમાં કરવી યોગ્ય છે?
આ બાબતને આયુર્વેદમાં શું કહે છે એ જાણવું જરૂરી છે
કસરતને સંસ્કૃતમાં વ્યાયામ કહે છે. વ્યાયામ “વ્યુ” એટલે શ્વસન અને “યમ” એટલે નિયમન એવા બે શબ્દથી બન્યો છે. એવી ક્રિયાઓ જે દરમિયાન શ્વાસોચ્છવાસનું નિયમન થાય છે તે વ્યાયામ.
કસરતના ફાયદા:
કસરતના ફાયદા વિશે આયુર્વેદ કહે છે, કસરતથી શરીરની અનેકવિધ અને બહુઆયામી જૈવરાસાયણિક કાર્યોનું નિયમન કરતાં વાયુતત્વ – તેના સંચાલન કાર્યથી, પિત્તતત્વ – તેના પાચકાગ્નિ અને ધાત્વાગ્નિથી પાચન અને ધાતુપરિણમનના કાર્યથી અને કફત્વ તેના પોષણ, બળ અને ઓજ વધારવાના કાર્યથી, શરીરમાં ભૂખ, ઊંઘ, પાચન, ઉત્સાહ, બળ પર સારી અસર કરે છે. આથી કસરત કરવાથી ઓછું વજન ધરાવતી વ્યક્તિઓ વજન વિશેષ ઓછું થઇ જવાના ભયથી દૂર ભાગે છે, તે વાસ્તવિકતાથી દૂર છે. કારણ કે,
• કસરતથી શરીરના દરેક અવયવો, તંત્રોની કાર્યશક્તિ વધે છે.
• અગ્નિનું બળ વધે છે.
• પાચન સુધરે છે.
• ધાતુપાક પ્રક્રિયા સારી થવાને પરિણામે ધાતુપોષણ સારી રીતે થાય છે.
• કસરતની સાથે પૌષ્ટિક અને સુપાચ્ય ખોરાક લેવાથી શરીરની દરેક ધાતુઓમાં વૃદ્ધિ થાય છે અને દેહસૌષ્ઠવ – દેખાવ સારો થાય છે. બળ વધે છે. તે ઉપરાંત પોષણ આપે તેવા ઔષધો દૂધ, ઘી, સાકર સાથે લેવાથી વજનમાં વધારો થાય છે.
• વજન વધારવા માટે ખોરાક વધારવો જરૂરી છે એ સામાન્ય સમજ તો સહુ કોઇ ધરાવે છે. પરંતુ વધુ પ્રમાણમાં ખોરાક લેવા છતાં પણ જો યોગ્ય પાચન અને પોષણ ન થઇ શકે તો વજન વધી શકે નહીં. માત્ર ખોરાકનું પ્રમાણ વધારવું જરૂરી છે તેમ નથી. ખોરાક પૌષ્ટિક અને પચાવવો પણ જરૂરી છે. ખોરાક વ્યક્તિની પ્રકૃતિ, જીવનશૈલી અને વ્યક્તિગત જરૂરિયાતને સંતોષે તેવો હોવો જોઇએ. આ સાથે પાચન અને મેટોબોલિઝમ યોગ્ય થવું જરૂરી છે.
આમ થવા માટે કસરત વ્યક્તિના શરીરને દરેક રીતે મદદરૂપ થઇ શકે છે.અને પરિણામે કસરત કરવાથી વજન વધારવાનું પણ શક્ય બને છે.
વ્યાયામથી શું ફાયદો થાય?
વ્યાયામના ફાયદા અને પ્રમાણ વિશે આયુર્વેદના પ્રણેતા આચાર્ય ચરક કહે છે, “શરીર ચેષ્ટા યા ચેષ્ટા સ્થૈર્યા બલવર્ધિની, દેહવ્યાયામ સંખ્યાતા માત્રયા તાં સમાચરેત” એટલે કે એવી શારીરિક ક્રિયાઓ, જે કરવાથી શરીરમાં સ્થિરતા તથા બળ આવે તેને વ્યાયમ કહે છે. જે ન અતિ કે ન વધારે પરંતુ સંયમપૂર્વક કરવી જોઇએ. આચાર્ય ચરક કસરતનું પ્રમાણ મધ્યમ અપનાવવા જણાવે છે. ત્યારે એ સમજવું જરૂરી છે કે આ પ્રમાણ વ્યક્તિગત જ હોઇ શકે. કોઇ એક વ્યક્તિ માટે ઓછો વ્યાયામ એ બીજી વ્યક્તિ માટે ઘણો વધારે પણ થઇ શકે છે. તેથી જ વ્યાયામ કરવાવાળી વ્યક્તિ માટે ઘણો વધારે પણ થઇ શકે છે.. તેથી જ વ્યાયામ કરવાવાળી વ્યક્તિને વ્યાયામ કર્યા પછી અતિશય થાક ન અનુભવાય એ જોવું ખાસ જરૂરી છે.
જેમ જેમ કસરત કરવાનો અભ્યાસ વધતો જાય છે તેમ તેમ વ્યક્તિની શ્રમ સહન કરવાની શક્તિ વધતી જાય છે. માત્ર હૃદયના ધબકારા, શ્વાસોચ્છવાસનો દર અમુક માત્રા સુધી વધારવા જેવા સામાન્ય માપદંડથી કસરત કરવાને કારણે સંપૂર્ણ આરોગ્યલાભ મળતો નથી. કસરતના પ્રમાણને વ્યક્તિગત રીતે સ્વયં – ઓબ્જેક્ટિવ મેથડથી નક્કી કરવા માટે આચાર્ય ચરકે વધુ માત્રામાં પરસેવો થવો, શરીરમાં હલકાપણું અનુભવાવું, હૃદયના ધબકારા વધવા તેમજ શ્વાસોચ્છવાસ વધવાથી શ્રમ યોગ્ય પ્રમાણમાં મળ્યો છે તેમ જાણવા કહ્યું છે. આવા લક્ષણો અને સ્વયંની અવસ્થા, બળ, જરૂરિયાત જેવા પરિબળોને ધ્યાનમાં રાખી કસરતનું પ્રમાણ નક્કી કરવું.