ભારતમાં જી-20 દેશોના વિદેશ પ્રધાનોની બેઠક દરમિયાન 2 માર્ચે અમેરિકા અને રશિયાના વિદેશ પ્રધાનો વચ્ચે બેઠક યોજાઈ હતી. હાલમાં બંને દેશો વચ્ચેના સંબંધો યુક્રેન યુદ્ધને કારણે તંગ છે. અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કેન અને રશિયાના વિદેશ પ્રધાન સર્ગે લાવરોવ વચ્ચે આશરે 10 મિનિટની ટૂંકી મુલાકાત થઈ હતી.
આ બેઠકમાં બ્લિન્કેને એવું કહ્યું હોવાનું માનવામાં આવે છે કે અમેરિકા યુક્રેનને મદદ કરવાનું ચાલુ રાખશે. રશિયન પ્રવક્તા મારિયા ઝાખારોવાએ જણાવ્યું હતું કે બ્લિન્કેને G20 બેઠકના બીજા સત્ર દરમિયાન વિદેશ પ્રધાન લવરોવનો સંપર્ક કરવાનું કહ્યું હતું. બંને વચ્ચે સંપર્ક થયો હતો, પરંતુ કોઇ મંત્રણા કે સંપૂર્ણ કક્ષાની બેઠક યોજાઈ ન હતી.
રશિયાએ અમેરિકા સાથેની અણુ સમજૂતી સ્થગિત કરવાની જાહેરાત કર્યાના એક સપ્તાહ પછી બંને દેશો વચ્ચે આ પ્રથમ ઉચ્ચસ્તરીય મુલાકાત હતી. બ્લિન્કેને G20 મીટિંગમાં તેમની ટિપ્પણીમાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને આર્થિક સ્થિરતા માટે રશિયાએ યુદ્ધ બંધ કરવું જોઇએ. દુર્ભાગ્યવશ જી-20 બેઠકમાં પણ રશિયાના ઉશ્કેરણી વગરના અને ગેરવાજબી યુદ્ધને કારણે વિક્ષેપ આવ્યો છે.