તમે સુપરમાર્કેટ્સ કે શોપીંગ મોલ્સમાં ખરીદી કરવા જાવ અને શોપીંગ ટ્રોલીઝમાં બન્ને તરફ હેન્ડલ્સ લગાવેલા હોય તો તમે સમજી જજો કે તે તમારી પાસેથી વધુ ખરીદી કરાવવાની ચાલ છે. જી હા, એક અભ્યાસ સૂચવે છે કે માત્ર આ ફેરફાર કરવાથી બિઝનેસીસના વેચાણમાં 25 ટકા સુધીનો વધારો થઇ શકે છે.
સિટી યુનિવર્સિટી ઓફ લંડનની બેયસ બિઝનેસ સ્કૂલના વૈજ્ઞાનિકોના અભ્યાસમાં નિયમિત ટ્રોલીઓ સામે આ હેન્ડલ્સનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં નિયમિત હેન્ડલબાર સાથેની ટ્રોલીઓ તમને તમારા ટ્રાઇસેપ્સનો ઉપયોગ કરવા માટે પ્રેરે છે – જે વસ્તુઓને દૂર કરવા સાથે સંકળાયેલી એક હિલચાલ છે. જે તમને ઓછો માલ ખરીદવા પ્રેરે છે. પરંતુ ટ્રોલીમાં જ્યારે હેન્ડલબાર એકબીજા સાથે સમાંતર અંતરે મૂકવામાં (વ્હિલબેરોની જેમ) આવે છે ત્યારે તેને ખેંચવામાં બાયસેપ્શનો ઉપયોગ થાય છે – જેનો ઉપયોગ વસ્તુઓને પોતાની તરફ ખેંચવા માટે થાય છે, અને તેથી તમે જાણે અજાણે ટ્રોલીમાં વધુ માલ મૂકો છો.
પરીક્ષણોમાં, નિયમિત ટ્રોલી ધરાવતા ગ્રાહકોએ સ્ટોરમાં સરેરાશ £22 ખર્ચ્યા હતા પરંતુ અનુકૂળ આવે તેવી હેન્ડલવાળી ટ્રોલી ધરાવતા ગ્રાહકે £7 વધુ ખર્ચ્યા હતા. આ તારણો જર્નલ ઑફ માર્કેટિંગમાં પ્રકાશિત થયા છે.