વુલ્વરહેમ્પટન, બ્લેકનહોલના ચેટવિન્ડ રોડ ખાતે રહેતા શૈન ચૌધરીએ દારૂ-જુગારના વ્યસન માટે એર્ડિંગ્ટન સ્થિત સટન ન્યુ રોડ પર આવેલી લાઇટિંગ અને લેમ્પ્સમાં નિષ્ણાત દુકાન લાઇટક્રાફ્ટ નોકરી કરતી વખતે બે મહિનાના સમયગાળામાં સંખ્યાબંધ વખત સેફમાંથી £5,000ની ચોરી કરી હતી.
ચૌધરીને 18 ફેબ્રુઆરીના રોજ બર્મિંગહામ ક્રાઉન કોર્ટમાં 18 મહિના માટે સસ્પેન્ડ એવી નવ મહિનાની સજા કરવામાં આવી હતી. કુલ £5,293ની ચોરી બદલ તેને ભૂતપૂર્વ એમ્પ્લોયરને £2,000નું વળતર તથા 180 કલાકનું અવેતન કામ કરવા આદેશ અપાયો હતો.
એક વખત તો તે વહેલી સવારે પૈસા લેવા માટે ગયો હતો જ્યાં સ્ટાફ સાથે તેનો ભેટો થયો હતો. તે વખતે તેણે અન્ય સ્ટાફ પર ખોટી રીતે શંકા કરી હતી.
ચૌધરીએ, કેસ ટ્રાયલ પર જવાના થોડા સમય પહેલા જ ચોરીની કબુલાત કરી હતી. આ માટે બે વર્ષ લાગ્યા હતા. તેણે સ્વીકાર્યું હતું કે તેના આ પગલાથી તે ‘શરમ’ અનુભવે છે.
તપાસમાં માલૂમ પડ્યું હતું કે જ્યારે જ્યારે ચૌધરી દુકાનમાં પ્રવેશ્યો હતો ત્યારે પૈસા ગાયબ થયા હતા. કંપનીના અધિકારીઓએ પૈસા ક્યાં ગયા તે શોધવા માટે ઘણા કલાકો વિતાવ્યા હતા અને બર્મિંગહામની ઘણી ટ્રિપ્સ કરી હતી.