ભારતીય શૂટર ઐશ્વર્ય પ્રતાપ સિંહે ઈજીપ્તના કૈરોમાં યોજાઈ ગયેલી આઇએસએસએફ શૂટિંગ વર્લ્ડ કપમાં પુરુષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશનની સ્પર્ધામાં ગયા સપ્તાહે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. ઐશ્વર્યએ શાનદાર દેખાવ કરી ઓસ્ટ્રીયાના એલેક્ઝાન્ડર સ્ચીમિરીલને 16-6થી હરાવ્યો હતો.
ઐશ્વર્યની સફળતાને પગલે ભારતને આ શૂટિંગ વર્લ્ડકપમાં ચોથો ગોલ્ડ મેડલ મળ્યો હતો. ઓવરઓલ ભારતનો આ છઠ્ઠો મેડલ હતો. ઐશ્વર્ય પ્રતાપ સિંહે ગત વર્ષે ચાંગવોંગ વર્લ્ડ કપમાં પણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
અગાઉ ભારતના 19 વર્ષના રુદ્રાંક્ષ પાટિલે 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ગોલ્ડન સફળતા મેળવી હતી. તાવને કારણે પરેશાન રુદ્રાંક્ષ ક્વોલિફિકેશનમાં સૌથી છેલ્લો રહ્યો હતો. જોકે તેણે ફાઈનલમાં ગોલ્ડન સફળતા હાંસલ કરી હતી. તેણે અને નર્મદાની જોડીએ મિક્સ ટીમ ઈવેન્ટમાં પણ ગોલ્ડ જીત્યો હતો.