બોલિવૂડ પર કાળચક્ર ઘૂમી રહ્યું હોય તેમ પીઢ અભિનેતા અને શોલે જેવી સદાબહાર ફિલ્મના ‘સુરમા ભોપાલી’ તરીકે સવિશેષ જાણીતા જગદીપનું ૮૧ વર્ષની વયે નિધન થયું છે. રિશી કપૂર, ઇરફાન ખાન, સરોજ ખાન , સુશાંતસિંઘ રાજપૂત ,બાસુ ચેટર્જી એમ એક પછી એક કલાકાર કસબીઓની વિદાય તાજેતરમાં થઇ છે તેમાં હવે ૪૦૦થી વધુ ફિલ્મોના અભિનેતા જગદીપે પણ આખરી વિદાય લીધી છે.
તેમના સંતાનોમાં અભિનેતા જાવેદ જાફરી અને ટીવી ડિરેક્ટર નાવેદ જાફરીનો સમાવેશ થાય છે. જગદીપનું મૂળ નામ સૈયદ ઇશ્તિયાક અહેમદ જાફરી હતું. આરપાર, દો બિઘા જમીન તથા હમ પંછી એક ડાલ કે પણ તેમની જાણીતી ફિલ્મો છે. છેલ્લે તેઓ ૨૦૧૨માં રિલીઝ થયેલી ગલી ગલી ચોર હૈ ફિલ્મમાં મોટા પડદે દેખાયા હતા.અભિનેતા અજય દેવગણ સહિતની બોલિવૂડ હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
જગદીપનું બાંદ્રા સ્થિત તેમના નિવાસ સ્થાને 8.30 વાગ્યે નિધન થયું હતું. ઉંમરને લીધે તેમની તબિયત નાદુરસ્ત રહેતા તેઓ લાંબા સમયથી પથારીવશ હતા. જગદીપે પુરાના મંદિરમાં કામ કર્યું હતું તેમજ અંદાઝ અપના અપનામાં સલમાન ખાનના પિતાની ભૂમિકા ભજવી હતી.