મહારાષ્ટ્ર વિધાનસભાના સચિવે રાજ્યમાં શિવસેનાના કુલ 55માંથી 53 ધારાસભ્યોના કારણદર્શક નોટિસ પાઠવી છે. આમાંથી 39 ધારાસભ્યો એકનાથ શિંદે કેમ્પના અને 14 ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરે ગ્રૂપના છે. ઠાકરે છાવણીના 14માંથી એક ધારાસભ્ય સંતોષ બાંગરે 4 જુલાઈએ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ દરમિયાન પાટલી બદલીને શિંદે કેમ્પમાં જોડાયા હતા. બંને જૂથોના ધારાસભ્યોએ શોકોઝ નોટિસ મળી હોવાને પુષ્ટી આપી હતી. બંને ગ્રૂપોએ 3 અને 4 જુલાઈએ સ્પીકરની ચૂંટણી અને વિશ્વાસ દરખાસ્ત વખતે પાર્ટીના વ્હિપનો અનાદર કર્યો હોવાનો એકબીજા પર આરોપ મૂક્યો છે. શિંદે કેમ્પે ગેરલાયક ઠેરવવાની અરજી કરી છે તેવા ધારાસભ્યોની યાદીમાં ઉદ્ધવ ઠાકરના પુત્ર આદિત્ય ઠાકરેનો સમાવેશ કર્યો હતો. આ નોટિસો પક્ષપલટા વિરોધી નિયમો હેઠળ જારી કરાઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ધારાસભ્યોએ સાત દિવસમાં નોટિસનો જવાબ આપવાનો રહેશે.
શિંદે સરકારના વિશ્વાસ મત વખતે 164 ધારાસભ્યોએ તરફેણમાં 99 ધારાસભ્યોએ વિરુદ્ધમાં મત આપ્યો હતો. 4 જુલાઈએ વિશ્વાસમત જીત્યા બાદ શિવસેના શિંદે વ્હિપનું પાલન ન કરવા બદલ ઉદ્ધવ ઠાકરે ગ્રૂપના 14 ધારાસભ્યોને નોટિસ આપી હતી.