મહારાષ્ટ્રમાં શિવસેનાના ધારાસભ્યોના બળવા પછી સત્તાની લડાઈ વધુ આક્રમક બની છે.. પાર્ટીના મોટાભાગના ધારાસભ્યોના બળવાની વચ્ચે રાજ્યના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શિવસેના ભવન ખાતે પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે તેમણે સરકારી બંગલો છોડ્યો છે, પરંતુ તેમનું મનોબળ અકબંધ છે. ઠાકરેએ શિવસેના અને મહાવિકાસ અઘાડી સરકારના અસ્તિત્વની આશંકાઓને પણ ફગાવી દીધી હતી. બીજી તરફ શિવસૈનિકોએ બળવાખોર ધારાસભ્યો વિરુદ્ધ દેખાવો કર્યો હતો. કેટલીક જગ્યાએ તોડફોડ પણ કરી હતી. શિવસૈનિકાના હુમલાની શક્યતાને ધ્યાનમાં રાખીને પોલીસે રાજકીય નેતાઓ અને રાજકીય પાર્ટીઓના કાર્યાલયોની સુરક્ષામાં વધારો કર્યો હતો.
બળવાખોર નેતા એકનાથ શિંદના કેમ્પમાં ધારાસભ્યોની સંખ્યામાં વધારો ચાલુ રહ્યો હતો. શિંદેના કેમ્પમાં સેનાના 38 ધારાસભ્યો છે. આ ઉપરાંત તેમની સાથે 10 અપક્ષો છે. ઠાકરેએ જણાવ્યું હતું કે અગાઉ પણ પાર્ટી સામે બળવા થયા હતા, પરંતુ બે વખત સત્તા પર આવી છે. તેમની ખરાબ તબિયતનો વિરોધીઓએ ફાયદો ઉઠાવ્યો છે. શિવસેના ભવન ખાતે આદિત્ય ઠાકરે ઉપસ્થિત રહ્યાં હતા. બીજી તરફ સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અસલી પરીક્ષા વિધાનસભામાં થશે.
બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની ડેપ્યુટી સ્પીકર નરહરી ઝીરવાલને ઉદ્ધવ ઠાકરેના કેમ્પે અરજી કર્યાના એક દિવસ બાદ ઇકનાથ શિંદેના જૂથે પણ ડેપ્યુટી સ્પીકર સામે અવિશ્વાસની નોટિસ આપી છે. શિવસેનાએ શિંદે સહિત 12 બળવાખોરોનું સભ્યપદ રદ કરવાની માગણી કરી છે. વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર ઉદ્ધવ ઠાકરેના સમર્થક ગણાય છે. જોકે તેમણે બળવાખોરો અંગે હજુ કોઇ નિર્ણય કર્યો નથી.