નોર્થ વેસ્ટ લંડનના વિલ્સ્ડન હાઈ રોડ પર અપના બજાર નામથી દુકાન ધરાવતા અને ત્રણ બાળકોના પિતા સુબ્રમણ્યમ શિવકુમારની 2006માં કરાયેલી હત્યાનું રહસ્ય હજૂ પણ વણઉકેલાયેલું છે. હત્યા માટે જવાબદાર લોકોની ધરપકડ માટે પોલીસે £20,000ના ઇનામની જાહેરાત કરી છે.

ડીટેકટીવ્સને તેમની હત્યા પાછળ તામિલ ટાઇગર્સનો હાથ હોવાની અથવા તો કર્મકાંડના કારણે હત્યા કરાઇ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. તેમની લાશ ગળામાં બુટની દોરી વીંટેલી હાલતમાં દુકાનના ફ્લોર પરથી મળી આવી હતી અને તેમના શરીર પર ચોખાની બેગ્સ નાંખેલી હતી.

હત્યાની તપાસ કરી રહેલા ડિટેક્ટિવ્સે તે સમયે કહ્યું હતું કે તેઓ માને છે કે 44 વર્ષીય શિવકુમારની હત્યા શ્રીલંકાના આતંકવાદી સંગઠન તામિલ ટાઇગર્સ દ્વારા કરવામાં આવી હતી. તેમના કાનની પાછળ પંચર કરાયાના નિશાન મળ્યા હતા અને ટોર્ચર કરાયા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ તપાસ ‘ટાઇગર બોયઝ’ નામના જૂથ પર કેન્દ્રિત થઇ હતી, જે લોકો તા. 13 ઓક્ટોબર, 2005ના રોજ શિવકુમારની દુકાન પર ગયા હતા. શિવકુમારે તે વખતે તેમની ડાયરીમાં લખ્યું હતું કે “આજે હું ટાઇગર બોયઝને 15,000 આપવા સંમત છું.”

માનવામાં આવે છે કે ટાઇગર બોયઝ તમિળ ટાઇગર્સ સાથે જોડાયેલા છે અને તેઓ તે સમયે લંડનમાં ભંડોળ ઉભુ કરવાની પ્રવૃત્તિઓ માટે જાણીતા હતા. 2009માં તામિલ ટાઇગર્સનો 26 વર્ષની લડાઇ પછી અંત આવ્યો હતો.

તે સમયે, શિવકુમારને ત્યા કામ કરતા ‘અપન’ તરીકે ઓળખાતા જ્યંથન આનંદરાજાએ પોલીસ સમક્ષ નિવેદનો આપ્યું હતું. પરંતુ તે જર્મનીમાં પરિવારને મળવા ગયા બાદ ગુમ થઇ ગયો હતો. દુર્ભાગ્યે, શિવકુમારની હત્યા બદલ હજૂ કોઈને દોષી ઠેરવવામાં આવ્યો નથી અને તેમનું મૃત્યુ રહસ્યમય રહ્યું છે.