બ્રિટનની કેબિનેટ ઓફિસના કોવિડ-19 ટાસ્કફોર્સના સામાજિક વિશ્લેષણ વિભાગના વડા શિવાની લાખાણીને મહારાણીના જન્મ દિને જાહેર કરાયેલ ઓનર્સ લીસ્ટમાં OBE સન્માન એનાયત કરાયું છે.
શિવાની લાખાણીએ જણાવ્યું હતું કે ‘’આ એવોર્ડ મળતા હું ખૂબ જ સન્માનિત થઇ હોવાનું અનુભવું છું. છેલ્લાં બે કરતા વધુ વર્ષોથી હું કેબિનેટ ઑફિસની એક તેજસ્વી ટીમનું નેતૃત્વ કર્યું છે. અમે રોગચાળાથી અપ્રમાણસર રીતે પ્રભાવિત થયેલા, નબળા, હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને ઓછું પ્રતિનિધિત્વ ધરાવતા સમુદાયોનું પ્રતિનિધિત્વ કરવા માટે અથાક મહેનત કરી છે. ડેટા અને પુરાવાનો ઉપયોગ કરીને તેઓ કેવી રીતે રોગચાળાથી પ્રભાવિત થયા છે તેને આધારે તેમના જીવનને સુધારવા માટે સરકારની નીતિમાં ફેરફાર કરાયો છે. આ સમુદાયોને સરકારમાં અવાજ આપવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે. હું તેજસ્વી અને સમર્પિત લોકોની ડ્રીમ ટીમ સાથે કામ કરવા બદલ ગૌરવ અનુભવું છું. સૌથી અગત્યનું એ છે કે તમારી ઉંમર અથવા પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના, આ પરિવર્તન શક્ય છે. માટે હંમેશા મોટા સપના જુઓ અને તમારી જાતને એવા લોકોથી ઘેરી લો જે તમને તે કરવા માટે પ્રોત્સાહિત કરે છે.’’
31 વર્ષની શિવાનીએ આઠ વર્ષ પહેલાં કેન્યા અને ભારતની શાળાઓમાં વોલંટીયરીંગ કરવા કરિયર બ્રેક લઇ પોતાની નોકરી છોડી હતી. તે પછી સામાજિક નીતિમાં કારકિર્દી બનાવવા સિવિલ સર્વિસમાં જોડાવાનું નક્કી કર્યું હતું. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન તેણે શિક્ષણ વિભાગમાં બાળકોની સામાજિક સંભાળ નીતિમાં અને પછી કેબિનેટ ઓફિસમાં ઇમરજન્સી પ્રિપેર્ડનેસ અને રીસ્પોન્સમાં કામ કર્યું છે. તે દરમિયાન તેણે ચાર નેશનલ ક્રાઇસીસ પર સક્રિય રીતે કામ કર્યું છે.
2020માં તેમને સરકારના પેન્ડેમિક રિસ્પોન્સ પર કામ કરવાનું કહેવાયું હતું. તેમણે એક ટીમ બનાવી સરકારને બાળકો, સંવેદનશીલ જૂથો અને જાહેર સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને રોગચાળો સમાજને કેવી રીતે અસર કરી રહ્યો છે તે અંગે સલાહ આપી હતી. આ કાર્ય દ્વારા તેમની ટીમ સરકારી નીતિઓ અને રોકાણને પ્રભાવિત કરવામાં સક્ષમ બની હતી.
ઇસ્લિંગ્ટન, લંડન ખાતે રહેતા શિવાની શ્રીનાથજી હવેલી, હેરો અને વ્રજધામ હવાલી લેસ્ટરનું સંચાલન કરતા વૈષ્ણવ સંઘ ઓફ યુકેના ચેરમેન શ્રી સુભાષભાઇ અને રશીલાબેન લાખાણીના સુપુત્રી છે. શિવાનીને આ સફળતા માટે વૈષ્ણવ સંઘ ઑફ યુકેના સંસ્થાપક અને સંરક્ષક વૈષ્ણવાચાર્ય શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી (કડી-અમદાવાદ) દ્વારા અભિનંદન અને શુભાશિષ પાઠવવામાં આવ્યા હતા.