મની લોન્ડરિંગ કેસમાં શિવસેના નેતા સંજય રાઉત આશરે ત્રણ મહિના પછી જેલમાંથી બહાર આવ્યા છે. મુંબઈની વિશેષ અદાલતે બુધવારે રાઉતને પાત્રા ચાલ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જામીન આપ્યા હતા. સ્પેશ્યલ કોર્ટના આદેશ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) વચગાળાનો સ્ટે મૂકવાની હાઇકોર્ટમાં વિનંતી કરી હતી, પરંતુ હાઇકોર્ટે પણ તેને ફગાવી દીધી હતી. EDએ 31 જુલાઈએ રાજ્યસભાના સાંસદ સંજય રાઉતની ધરપકડ કરી હતી.
બંને પક્ષકારોને સાંભળ્યા વિના આવો કોઈ આદેશ ન આપી શકે એમ કહીને હાઈકોર્ટે આ મામલાની સુનાવણી ગુરુવાર સુધી મોકૂફ રાખી હતી.
દિવસની શરૂઆતમાં વિશેષ અદાલતે રાઉત અને સહ-આરોપી પ્રવિણ રાઉતને જામીન આપ્યા હતા. કોર્ટે શુક્રવાર સુધી આ આદેશના અમલ પર સ્ટે મૂકવાની ઇડીની વિનંતી ફગાવી દીધી હતી. આ પછી કેન્દ્રીય એજન્સીએ હાઈકોર્ટમાં જઈને વચગાળાનો સ્ટે માંગ્યો હતો. જોકે જસ્ટિસ ભારતી ડાંગરે EDને આવી કોઇ રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસે જણાવ્યું હતું કે “મેં ઓર્ડર જોયો પણ નથી. મને ખબર નથી કે કયા આધાર પર જામીન મંજૂર કરવામાં આવ્યા છે. મને એ પણ ખબર નથી કે તમે (ED)એ આદેશને કયા આધાર પર પડકાર્યો છે. હવે ભલે મારે પ્રથમ દ્રષ્ટીએ ઓર્ડર આપવો પડે તો પણ હું પક્ષકારોને સંભાળ્યા વગર તેના વગર સ્ટે કેવી રીતે આપી શકું? એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંઘે ED તરફથી હાજર રહીને ગુરુવાર સુધી જામીન પર રોક લગાવવાની માંગ કરી હતી.
ગોરેગાંવમાં પાત્રા ચાલ ટેનામેન્ટના પુનઃવિકાસના સંબંધમાં નાણાકીય અનિયમિતતાઓમાં કથિત ભૂમિકા બદલ EDએ 31 જુલાઈએ રાજ્યસભાના સાંસદ સંજય રાઉતની ધરપકડ કરી હતી. તેમને મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યા હતા.