અવકાશમાં સૌથી પહેલો પગ કોણ મુકે એ બાબતે વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓમાં જાણે સ્પર્ધા જામી છે. એમેઝોન તથા સ્પેસ ટ્રાવેલ કંપનીના માલિક જેફ બેઝોસ 20મી જુલાઈએ અવકાશના પ્રવાસે જવાના છે. તેની સામે વિખ્યાત વર્જિન ગ્રુપના માલિક સર રીચાર્ડ બ્રેન્સને એવી જાહેરાત કરી છે કે તેઓ 11 જુલાઇએ, બેઝોસ કરતા નવ દિવસ વહેલા રવાના થશે. તેમની સાથે ભારતીય અમેરિકન યુવતી સિરિશા બાંડલા પણ આ યાત્રામાં જોડાશે. સિરિશા 2015થી બ્રેન્સનની કંપનીમાં કામ કરે છે.
અવકાશમાં ખાનગી પ્રવાસો શરૂ કરવા માટે કેટલાક મોટા માથાઓ વચ્ચે સ્પર્ધા ચાલે છે, જેમાં ત્રણ મુખ્ય છે. જેફ બેઝોસ, રીચાર્ડ બ્રેન્સન અને ઈલોન મસ્ક. મસ્ક સ્પેસ-એક્સ નામની કંપની દ્વારા અવકાશમાં સામાન પહોંચાડવાનું કામ કરે છે અને સાથે સાથે મંગળ સુધી પહોંચી શકે એવુ રોકેટ બનાવે છે. રીચાર્ડ બ્રેન્સન વર્જીન ગેલેક્ટિક ગ્રૂપના માલિક છે. બ્રેન્સન 400થી વધારે નાની-મોટી કંપનીઓના માલિક છે.
બેઝોસ-મસ્ક પાસે રોકેટ છે, તો બ્રેન્સને વિમાન તૈયાર કર્યું છે.જે અવકાશ સુધી પહોંચી શકે એમ છે. આ વિમાનને વીએસએસ યુનિટી નામ આપવામાં આવ્યુ છે. વર્જીન ગેલેકટિકનું આ આકાશી વિમાન અગાઉ 3 વાર સ્પેસ સફર કરી ચૂક્યુ છે. આ તેની ક્રુ સાથેની ચોથી સફર હશે પરંતુ બ્રેન્સનની પહેલી સફર હશે. વર્જીન ગેલેકટીકની આ કુલ 22મી સ્પેસ ફલાઈટ છે. બ્રેન્સને એવું પણ કહ્યું હતું કે, એકવાર તેઓ આ સફર પુરી કરી પાછા આવે, તે પછી તેઓ વધુ લોકોને અવકાશયાત્રાની તકનો લાભ મળે તે માટે ઉત્તેજનાસભર ઘોષણા કરશે.
34 વર્ષની સિરિશા બાંડલા ભારતમાં આંધ્ર પ્રદેશના ગુંતુર જિલ્લામાં તેનાલી ગામે જન્મી હતી અને અમેરિકાના ટેક્સાસમાં હ્યુસ્ટનમાં તેનો ઉછેર થયો છે. હરિયાણાની કલ્પના ચાવલા પછી સિરિશા અવકાશયાત્રાએ જનારી બીજી ભારતીય અમેરિકન અવકાશયાત્રી બનશે. જો કે, અમેરિકામાં જ જન્મી હોય તેવી ગુજરાત કનેક્શન ધરાવતી એક ત્રીજી અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ પણ 2006માં અવકાશયાત્રાએ ગઈ હતી અને તેણે તો સૌથી વધુ સમય અવકાશમાં ચાલવાનો મહિલા અવકાશયાત્રીનો રેકોર્ડ પણ કર્યો હતો.
સુનિતા વિલિયમ્સ અમેરિકન નેવીમાં હતી અને પછી તે અવકાશયાત્રી તરીકે પસંદ થતાં નાસામાં જોડાઈ હતી.
એપ્રિલ 2007માં તેની અવકાશયાત્રા પુરી થયા પછી સુનિતા સપ્ટેમ્બરમાં ભારત અને ગુજરાતની મુલાકાતે પણ આવી હતી. વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા સુનિતાનું સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડથી સન્માન પણ કરાયું હતું.