ભાગ્યે જ જોવા મળતી એક ચેષ્ટામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની આલ્બેનીસે શનિવારે સંયુક્ત નિવેદન જારી કરી જાપાનના પૂર્વ પીએમ શિન્ઝો આબેના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને ક્વાડની રચનામાં આબેના યોગદાનને યાદ કર્યું હતું. તેમણે મુક્ત અને ખુલ્લા ઇન્ડો પેસિફિક માટેના આબેના પ્રયાસોને પણ યાદ કર્યા હતા.
ક્વાડના આ નેતાઓએ આબેની સ્મૃતિના સન્માન માટે શાંતિપૂર્ણ અને સમૃદ્ધ ઇન્ડો પેસિફિક માટેના પ્રયાસો બમણા કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી તથા આબેને જાપાનના પરિવર્તનકારી નેતા ગણાવ્યા હતા.
આબેની હત્યા પછી મોદી, બાઇડન અને આલ્બેનીસે અલગ-અલગ રીતે તેમને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ આ સંયુકત નિવેદન જારી કર્યું છે. શુક્રવારે મોદીએ આબેની યાદમાં એક બ્લોગ લખ્યો હતો.
જાપાનના 67 વર્ષના ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની શુક્રવારની સવારે ચૂંટણીસભા દરમિયાન જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને તેનાથી વિશ્વભરના નેતાઓ સ્તબ્ધ થયા હતા.
ઇન્ડો–પેસિફિક વિસ્તારમાં ચીનની વિસ્તારવાદી નીતિઓનો સામનો કરવા માટે ક્વાડની રચના કરવામાં આબેએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ક્વાડ સંગઠનમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. સંયુક્ત નિવેદનમાં જણાવાયું છે કે અમે ઓસ્ટ્રેલિયા, ભારત અને અમેરિકાના નેતાઓને જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની દુઃખદ હત્યાથી આંચકો લાગ્યો છે. આ દુઃખની ઘડીએ અમે જાપાનના લોકો અને તેના વડાપ્રધાન કિશિડાની પડખે છીએ. અમે શાંતિપૂર્ણ અને સમૃદ્ધ ઇન્ડો પેસિફિક માટેની અમારી પ્રયાસોને બમણો કરી આબેની યાદનું સન્માન કરીશું.
દરમિયાન યુએનના મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસે જણાવ્યું હતું કે આબેની ભયાનક હત્યાથી તેમને ઊંડું દુઃખ થયું છે. આ કૃત્ય ગન ક્રાઇમનો સૌથી નીચો રેટ ધરાવતા દેશ માટે ઘેરા આઘાત સમાન છે. યુએનના વડાના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું આબેને બહુપક્ષીયવાદના મજબૂત સમર્થક, સન્માનીય નેતા અને સંયુક્ત રાષ્ટ્રના સમર્થક તરીકે હંમેશા યાદ રાખવામાં આવશે.