મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં શિવસેનામાં બાલા સાહેબ ઠાકરના રાજકીય વારસ તરીકે એકનાથ શિંદે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના રાજકીય વારસ તરીકે અજિત પવાર ઊભર્યા હતા. વિધાનસભાની ચૂંટણીના પહેલા આ બંને પક્ષોમાં ભાગલા પડ્યા હતા. જુલાઈ 2023માં એનસીપી ભાગલા પાડીને ડેપ્યુટી મુખ્યપ્રધાન બનેલા અજિત પવાર હવે તેમના કાકાના રાજકીય વારસાના સાચા વારસદાર તરીકે ઉભરી આવ્યા હતાં.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં અકલ્પનીય દેખાવ કરીને ભાજપે તેના વડપણ હેઠળની મહાયુતિને મહાવિજય અપાવ્યો હતો, જ્યારે ઝારખંડમાં JMMના અદભૂત પ્રદર્શનને પગલે ઇન્ડિયા બ્લોકની સત્તામાં વાપસી થઈ હતી. મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠકોમાંથી મહાયુતિનો 235 બેઠકો પર વિજય થયો હતો, જ્યારે મહાવિકાસ આઘાડી (એમવીએ)ને માત્ર 49 બેઠકો મળી હતી. બહુમતીનો આંકડો 145 છે. ઝારખંડમાં વિધાનસભાની કુલ 81 બેઠકોમાંથી ઇન્ડિયા બ્લોકને 56 અને એનડીએને 24 બેઠકો મળી હતી.
મહારાષ્ટ્રમાં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના, અજિત પવારની એનસીપીના મહાયુતિના ઐતિહાસિક વિજયની સાથે નવા સીએમ કોણ બનશે તેની અટકળો ચાલુ થઈ ગઈ હતી. નવા સીએમ તરીકે નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. જો ફડણવીસની પસંદગી થશે તો તેઓ ત્રીજી વખત સીએમ બનશે.