શિલ્પા શેટ્ટી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દરેક તહેવારની સારી રીતે ઉજવણી કરતી રહે છે. તેણે પરિવાર સાથે થોડા દિવસ પહેલાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરી હતી. હવે શિલ્પા પોતાના ઘરે નવરાત્રિની ઉજવણી કરી રહી છે. તેણે સોશિયલ મીડિયા પર નવરાત્રિના પ્રારંભે ઘરમાં વિશેષ પૂજનનો વીડિયો પોસ્ટ કરવાની સાથે નવ દિવસના સંકલ્પ પણ જણાવ્યા હતા.
આ વીડિયોમાં શિલ્પા તેના ઘરે દેવી દુર્ગા, સરસ્વતી અને લક્ષ્મીજીનું ફૂલોથી પૂજન કરતી જોવા મળે છે. વીડિયોના કેપ્શનમાં શિલ્પાએ દરેકને શારદીય નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવી છે. આ સાથે શિલ્પાએ નવ દિવસના નવ સંકલ્પ પણ જાહેર કર્યા છે. પ્રથમ દિવસે ગુસ્સાનો ત્યાગ, દ્વિતિયાથી લોકોને જજ કરવાનું બંધ, ત્રીજથી તમામ પૂર્વગ્રહ છોડવાનો અને ચતુર્થીમાં પોતાની જાત સાથે દરેકને માફ કરવાની શિલ્પાની તૈયારી છે.
પંચમીમાં પોતાની જાત અને દરેકને જેવા છે તેવા સ્વીકારવા, ષષ્ઠીમાં પોતાની જાત અને દરેકને બિનશરતી પ્રેમ કરવાની, સપ્તમીએ ઈર્ષ્યા અને અપરાધભાવ જેવી નકારાત્મક લાગણીઓ ત્યજવાની અને મહા નવમીએ તમામ ચિંતા છોડવાની શિલ્પાની ઈચ્છા છે.જીવનમાં જે કંઈ મળ્યું છે તે દરેક માટે ભગવાનનો આભાર માનીને શિલ્પાએ દરેકને જય માતાજી કહ્યા હતા.