છેલ્લા 13 વર્ષથી શિલ્પા શેટ્ટી ફિલ્મી પડદાને બદલે ટીવી પડદે વધુ જોવા મળી છે. જુદા જુદા ડાન્સ અને મ્યુઝિકલ શોમાં તેણે જ્યૂરી તરીકે કામ કર્યું છે. હવે એવું કહેવાય છે કે, લાંબા સમય પછી તે ફરીથી ફિલ્મી કારકિર્દી માટે ગંભીર બની છે. આ બીજી ઇનિંગ્સમાં શિલ્પા હવે એક પછી એક ફિલ્મો સાઇન કરી રહી છે. અત્યારે તે બે ફિલ્મોમાં કામ કરી રહી છે અને તાજેતરમાં જ તેણે ત્રીજી ફિલ્મ સાઇન કરી હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિલ્પા શેટ્ટી વિક્રમ મલ્હોત્રાની નવી ફિલ્મમાં કામ કરશે. તેણે આ ફિલ્મ સાઇન કરી લીધી હોવાની ચર્ચા છે. આ એક મહિલા પ્રધાન ફિલ્મ હશે, જેમાં શિલ્પા મજબૂત અને મક્કમ વિચારો ધરાવતી મહિલાના રોલમાં જોવા મળશે. જોકે હાલ આ ફિલ્મ પ્રી પ્રોડકશન સ્ટેજમાં છે. આ વર્ષના અંત સુધીમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની યોજના છે. ફિલ્મનું ડાયરેકશન સોનલ જોશી કરશે, જેણે અગાઉ ધૂમ-2 ફિલ્મ બનાવી હતી.
શિલ્પાની અન્ય બે ફિલ્મો નિકમ્મા અને હંગામા-2 છે જે મલ્ટીસ્ટારર ફિલ્મ છે. તેથી શિલ્પાને આ ફિલ્મા દ્વારા દર્શકોનું ખાસ ધ્યાન ખેંચી શકશે નહીં. પરંતુ તેની આ ત્રીજી ફિલ્મ મહિલા પ્રધાન હોવાથી આ ફિલ્મ તેની કમબેક ફિલ્મ તરીકે ગણાશે. આ ફિલ્મમાં શિલ્પા માટે પડકારજનક ભૂમિકા છે. શિલ્પાનું માનવું છે કે, આ ફિલ્મ તેની કારકિર્દીને નવી દિશા આપશે.