ઘણા વર્ષથી બોલીવૂડથી દૂર રહેલી શિલ્પા શેટ્ટીએ હવે ફરીથી બોલીવૂડમાં કામ કરવાનું મન બનાવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હંગામા-ટુ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે અને ફિલ્મનું શૂટિંગ પણ ફરીથી શરૂ થઇ ગયું છે. શિલ્પા સિવાય આ ફિલ્મમાં પરેશ રાવલ, મિજાન જાફરી અને પ્રણિતા સુભાષ પણ જોવા મળશે.
આ તમામે ફિલ્મના ટાઇટલ સોંગ માટેના શૂટિંગમાં ભાગ લીધો હતો. વર્ષ ૨૦૦૩માં આવેલી આ ફિલ્મ સુપરહિટ થઇ હતી અને હવે તેની સિક્વલનું નિર્માણ થઇ રહ્યું છે. આ અંગે શિલ્પાએ સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે, તે હવે ફરીથી સેટ પર આવી ગઇ છે. અગાઉની હંગામા ફિલ્મમાં અક્ષય ખન્ના, પરેશ રાવલ, આફતાબ શિવદાસાની, રિમી સેન મુખ્ય ભૂમિકામાં હતા. શિલ્પા હંગામા-૨ ઉપરાંત નિકમ્મા નામની ફિલ્મ પણ કરી રહી છે, જેમાં ‘મૈને પ્યાર કિયા’ ફિલ્મની મુખ્ય અભિનેત્રી ભાગ્યશ્રીનો પુત્ર અભિમન્યુ અને ગાયક શર્લે સેતિયા મુખ્ય કિરદારમાં છે.