ભારતીય ક્રિકેટ ટીમના આક્રમક બેટ્સમેન શિખર ધવને બોલિવૂડના ગ્રાઉન્ડ પર ડબલ XL નામની ફિલ્મ સાથે એન્ટ્રી કરી રહ્યો છે. મીડિયા રીપોર્ટ મુજબ આ ફિલ્મમાં શિખર ધવન અને હુમા કુરેશી રોમાન્સ કરતા જોવા મળશે.
હુમા કુરેશીએ સોશિયલ મીડિયા પર શિખર ધવન સાથેનો ફોટોગ્રાફ શેર કરી ફિલ્મ અને ક્રિકેટ રસિયાઓને સરપ્રાઈઝ આપી હતી. ચોથી નવેમ્બરે આ ફિલ્મ રિલીઝ થવાની છે.
વધુ પડતાં વજનના કારણે બોડી શેમિંગ અનુભવતી યુવતીઓ અને તેમના માટે સામાજિક દૃષ્ટિકોણને કેન્દ્રમાં રાખીને બનેલી આ ફિલ્મનું ટીઝર થોડા સમય પહેલા રિલીઝ થયું હતું.
હુમાની સાથે આ ફિલ્મમાં સોનાક્ષી સિંહા લીડ રોલમાં છે. ગ્લેમરસ અંદાજમાં જોવા મળતાં હુમા કુરેશી અને સોનાક્ષી સિંહાએ આ ફિલ્મમાં નવો અવતાર લીધેલો છે. તેમાં મુખ્યત્વે પ્લસ સાઈઝની બે મહિલાઓની સ્ટોરી છે, જે પોતાના સપનાની પાછળ દોડી રહી છે. જીમમાં પરસેવો પાડીને કે ડાયેટિંગ કરીને સ્લિમ અને ફિટ રહેતી બોલિવૂડ સ્ટાર્સની ભીડમાં હુમા અને સોનાક્ષીએ નવો ચીલો ચાતરવાનો પ્રયાસ કર્યો છે. આ ફિલ્મમાં શિખર ધવનના રોલને જાહેર કરાયો ન હતો.
બોલિવૂડમાં એન્ટ્રી અંગે શિખર ધવને જણાવ્યું હતું કે, સારી એન્ટરટેઈનિંગ ફિલ્મો જોવાનું ગમે છે. ફિલ્મની સ્ટોરી સાંભળી અને પ્રભાવિત થયો હતો. ફિલ્મમાં સમગ્ર સમાજ માટે સારો મેસેજ છે અને દેશના યુવાન-યુવતીઓ પણ આ ફિલ્મની જેમ જ પોતાના સપનાઓનો પીછો કરતા રહે તેવી આશા છે.