ઇન્ડિયાનાના ઇન્ડિયાનાપોલીસમાં ફેડેક્સ ખાતે 15 એપ્રિલની મોડી રાત્રે બનેલી સામૂહિક ગોળીબારની ઘટનામાં ઇન્ડિયન અમેરિકન સમૂદાયે હેઇટ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનની માગણી કરી છે. આ હત્યાકાંડમાં 19 વર્ષીય બ્રાન્ડન હોલે આઠ વ્યક્તિઓની હત્યા કરી હતી, જેમાં ચાર શીખ અમેરિકન્સ હતા. આ ઘટનામાં તેણે આત્મહત્યા કરતા પહેલા ઓછામાં ઓછા સાત લોકોને ઘાયલ કર્યા હતા, તેમ પોલીસે જણાવ્યું હતું.
ઇન્ડિયાનાપોલીસ મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટે પીડિતોના નામ જાહેર કર્યા છે. જેમાં મેથ્યુ આર. એલેઝાંડર-32, સમાયરા બ્લેકવેલ-19, અમરજીત કૌર જોહલ-66, જસવિંદર કૌર-50, જસવિંદર સિંઘ-68, અમરજિત શેખોન-48, કાર્લી સ્મિથ-19, અને જોન વીઝર્ટ-74નો સમાવેશ થાય છે.
કોંગ્રેસમેન રાજા ક્રિષ્ણામૂર્તિએ આ અંગે જણાવ્યું હતું કે, આ ઘટનાની એ તપાસ થવી જોઇએ કે, હિંસા પાછળ શીખ વિરોધી લાગણી તો કામ નહોતી કરી રહીને. તેમણે જણાવ્યું કે, અત્યારે ઇન્ડિયાનાપોલીસ અને શીખ સમૂદાયમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી રહી છે. અને તેમાં દેશભરના લોકોનો પણ સમાવેશ થાય છે. તપાસકર્તાઓએ સુનિશ્ચિત કરવું જોઇએ કે, આ હુમલા પાછળ નફરતની ભાવનાઓ તો કામ નહોતી કરી રહીને. આ ઘટના એવા સમયે ઘટી છે જ્યારે દેશમાં એશિયન લોકો વિરુદ્ધ હિંસા વધી છે. છેલ્લા પાંચ વર્ષમાં જુદા જુદા અમેરિકન સમૂદાયો વિરુદ્ધ હિંસક ઘટનાઓમાં વધારો થયો છે.
ધ શીખ કોલિશને પણ આ ઘટનામાં હેઇટ ક્રાઇમ તપાસની માગણી કરી છે. શીખ કોલિશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સતજીત કૌરે જણાવ્યું હતું કે, ‘અમે સંપૂર્ણ અપેક્ષા રાખીએ છીએ કે સત્તાવાળાઓએ પૂર્વગ્રહ થવાની સંભાવના સહિતના પરિબળની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ અને તેઓ કરશે.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શીખ સમૂદાય આ ઘટનામાં સંપૂર્ણ પારદર્શક તપાસની સતત માગણી કરશે.
ઇન્ડિયાનાપોલીસના આઠ ગુરુદ્વારાઓએ પણ આ ઘટના અંગે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે હુમલાખોરના હેતુ અંગે કંઇ જાણતા નથી. આપણે એ પણ નહીં જાણી શકીએ કે આવું કેમ કર્યું, જોકે આપણે એ વાત જરૂરથી જાણીએ છીએ કે, જે ફેડેક્સને પર નિશાન સાધવામાં આવ્યું છે તે પોતાની ક્ષમતા માટે જાણીતી છે. શીખ સમૂદાયના અગ્રણી ગુરિંદર સિંહ ખાલસાએ એક સમિતિની જાહેરાત કરી છે, જે એ સ્થિતિ અને ખામીઓ પર વિચાર કરશે જેના કારણે આ ઘટના ઘટી છે. આ ઘટનામાં હુમલાખોરના પરિવારે મૃતકોના સ્વજનોની માફી માગી છે અને પોતાના પુત્રના કૃત્યથી તેઓ બરબાદ થઇ ગયા હોવાનું અનુભવી રહ્યા છે.