શેલ એનર્જી ઇન્ડિયાએ બુધવારે જણાવ્યું હતું કે તે રિન્યુએબલ એનર્જી ફેસિલિટી, ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન અને LNG રિગેસિફિકેશન ટર્મિનલ સ્થાપવા માટે ગુજરાતમાં રૂ.3,500 કરોડનું રોકાણ કરશે. તેનાથી લગભગ 4,300 નોકરીઓનું સર્જન કરશે.
સરકારી યાદીમાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર અને શેલ એનર્જી ઈન્ડિયા વચ્ચે બુધવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આ સંદર્ભે એક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ગુજરાતના વિકાસના લેન્ડસ્કેપને વેગ આપવાના પ્રયાસરૂપે, શેલ એનર્જી ઈન્ડિયાએ ₹3,500 કરોડના મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ)ને ઔપચારિક સ્વરૂપ આપ્યું છે. એમઓયુ પર રાજ્ય સરકાર વતી ઉર્જા વિભાગના મુખ્ય સચિવ મમતા વર્મા અને કંપનીનું પ્રતિનિધિત્વ કરતા શેલ એનર્જીના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ સિંહે ઔપચારિક રીતે હસ્તાક્ષર કર્યા હતા.
કંપની 2026 સુધીમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં આશરે રૂ.2,200 કરોડનું રોકાણ કરશે. તેનાથી 2026 નોકરીનું સર્જન થશે.
કંપની બનાસકાંઠા જિલ્લામાં 1,200 એકરનો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ નાંખશે. આ પ્લાન્ટ 1,000થી વધુ વ્યક્તિઓ માટે પ્રત્યક્ષ અને પરોક્ષ બંને રીતે રોજગારીનું સર્જન કરશે તેવી ધારણા છે અને 2026 સુધીમાં પ્લાન્ટ કાર્યરત થવાની ધારણા છે. વધુમાં આ ઊર્જા કંપનીએ સમગ્ર રાજ્યમાં બહુવિધ સ્થળોએ EV રિચાર્જ સ્ટેશનો માટે ₹800 કરોડ ફાળવ્યા છે, જે સંભવિત રીતે અંદાજે 2,000 લોકો માટે રોજગારી ઊભી કરશે. આ પ્રોજેક્ટ્સ 2027 સુધી કાર્યરત થવાની ધારણા છે.
કરારના ત્રીજા તબક્કામાં LNG રિગેસિફિકેશન ટર્મિનલ, એસેટ ઇન્ટિગ્રિટી રિજુવેનેશન અને ડેબોટલનેકિંગ પ્રોજેક્ટમાં ₹500 કરોડનું રોકાણ સામેલ છે. 2027 સુધીમાં વ્યાપારી ઉત્પાદન શરૂ થવાની ધારણા છે, આ પહેલ 375 લોકો માટે નોકરીની તકો ઊભી કરી શકે છે.