ગુજરાતમાં ગયા સપ્તાહે કડકડતી ઠંડીનો દોર શરૂ થયો હતો. કચ્છનાં નલિયામાં માત્ર 24 કલાકમાં જ 6 ડિગ્રી પારો ગગડતાં આજે લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી નોંધાયું હતું. જે સિઝનમાં સૌથી નીચું તાપમાન હતું. બીજી તરફ બનાસકાંઠાના ડીસામાં પણ 6.9 ડિગ્રી ઠંડીમાં લોકો ઠૂંઠવાયા હતાં. રાજ્યમાં કાતિલ શીત લહેરથી હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થયો હતો.અમદાવાદ સહિત રાજ્યભરમાં સતત સૂસવાટા મારતો પવન ફૂંકાતા મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 4.4 ડિગ્રી નીચું ઉતરી ગયું હતું.
રાજ્યમાં સતત ઠંડો પવન ફૂંકાતા ગાત્રો થીજવતી ઠંડીથી લોકો ધ્રુજી ઉઠ્યાં હતા. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં બુધવારે તાપમાન -1 ડિગ્રી નોંધાયું હતું. ત્યારે 24 કલાકમાં જ અચાનક માઉન્ટ આબુનું તાપમાન -6 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. તેનાથી માઉન્ટ આબુ થીજી ગયું હતું અને જ્યાં સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે લગભગ 20 વર્ષ પહેલાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન માઇન 7 ડિગ્રી નોંધાયું હતું.
અમદાવાદમાં શહેરોમાં લઘુત્તમ તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું હતું. પહાડી રાજ્યોમાં થયેલી હિમવર્ષાની અસર હવે ઉત્તર ભારતના હવામાન પર જોવા મળી હતી.. ઉત્તરપ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણામાં ઠંડા પવનો સાથે તાપમાનમાં ઘટાડો થયો હતો.