બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન ગુરુવારની સવારે તેના પુત્ર આર્યનને મળવા માટે મુંબઈની આર્થર રોડ જેલ પહોંચ્યો હતો. શાહરૂખ અને આર્યને 15 મિનિટ સુધી વાતચીત કરી હતી. 2 ઓક્ટોબરના રોજ મુંબઈથી ગોવા જતી ક્રૂઝ પર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ દરોડા પાડ્યા હતા અને આ કેસમાં આર્યન ખાનની ધરપકડ કરી હતી.
શાહરૂખ ખાને દીકરા સાથે બસ થોડીક મિનિટોની મુલાકાત કરી હતી અને ત્યારબાદ ત્યાંથી રવાના થઈ ગયો હતો. શાહરૂખ ખાન આર્થર રોડ જેલ પહોંચ્યો હતો ત્યારે મીડિયાએ તેને ઘેરી લીધો હતો. મહામુશ્કેલીએ શાહરૂખના બોડીગાર્ડે તેને ગાડી સુધી પહોંચાડ્યો હતો.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, વાતચીત દરમિયાન બંને વચ્ચે કાચની દિવાલ હતી. આર્યન અને શાહરૂખે ઈન્ટરકોમ દ્વારા એકબીજા સાથે વાત કરી હતી. આ મુલાકાત દરમિયાન જેલના અધિકારીઓ પણ ત્યાં હાજર હતા.
અહીં રેવ પાર્ટી ચાલી રહી હતી અને તેમાંથી શાહરૂખનો દીકરો આર્યન ખાન ઝડપાયો હતો. આર્યન સહિત 8 શખ્સોની એ દિવસે અટકાયત કરવામાં આવી હતી અને 3 ઓક્ટોબરના રોજ તેમની વિધિવત ધરપકડ કરાઈ હતી. આર્યન ખાન સહિતના આરોપીઓને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે. આર્યન 8 ઓક્ટોબરથી આર્થર રોડ જેલમાં બંધ છે. 20 ઓક્ટોબરે આર્યનની જામીન અરજી મુંબઈની સેશન્સ કોર્ટ ફગાવી હતી. હવે આર્યનના વકીલોએ બોમ્બે હાઈકોર્ટમાં જામીન અરજી કરી છે. જેના પર 26 ઓક્ટોબરે સુનાવણી થવાની છે.