કોરોના વાયરસના કારણે દુનિયાભરના દેશોની ઈકોનોમી પર સર્જાયેલા સંકટની વચ્ચે ભારત પણ બાકાત રહ્યુ નથી. ભારતના શેરબજારમાં કોરોનાના કારણે હાહકાર સર્જાયો છે. હાલમાં સેંસેક્સ 3000 પોઈન્ટ ગબડીને 32000 પર પહોંચી જતા રોકાણકારોના 11 લાખ કરોડ રુપિયા ધોવાઇ ચુક્યા છે. નિફ્ટીની સ્થિતિ પણ સારી નથી. જુલાઈ 2017 બાદ પહેલી વખત નિફ્ટી 9600 સુધી પહોંચ્યો છે. શેરબજારમાં આજે દિવસની શરુઆત જ ભારે ઘટાડા સાથે થઈ હતી.મિડ કેપ અને સ્મોલકેપ શેરોમાં વેચાણ જોવા મળી રહી છે.નિફ્ટીના ઓટો ઈન્ડેક્સમાં 4.6 ટકા, મેટલ ઈન્ડેક્સમાં 7 ટકા, ફાર્મા ઈન્ડેક્સમાં 3.5 ટકા અને રિયલ્ટી ઈન્ડેક્સમાં 6 ટકાનો ઘટાડો નોંધાયો છે. શેરબજારના 30 મુખ્ય શેરોનો સમાવેશ કરતો પ્રમુખ ઈન્ડેક્સ પણ શરુઆતથી જ 1745 પોઈન્ટ નીચે ખુલ્યો હતો. રુપિયો પણ અમેરિકન ડોલરના હિસાબે આજે 62 પૈસા નીચે 74.25ના સ્તર પર ખુલ્યો હતો.