ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને જનતા દળ(યૂ)ના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ બિહારના દિગ્ગજ નેતા શરદ યાદવનું ગુરુવાર, 12 જાન્યુઆરીએ અવસાન થયું હતું. તેમની ઉંમર 75 વર્ષ હતી. શરદ યાદવના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ દુઃખ અને શોક વ્યક્ત કર્યો હતો.
તેઓ છેલ્લાં ઘણાં વખતથી ગુરુગ્રામના ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. સાત વખત લોકસભાના સાંસદ રહી ચૂકેલા શરદ યાદવ છેલ્લાં થોડાક વખતથી સક્રિય રાજકારણથી દૂર રહ્યા હતા. 2003માં જદ(યૂ)ની રચના બાદ તેઓ તેઓ ઘણાં વખત સુધી પાર્ટીના અધ્યક્ષ રહ્યા હતા. તેઓ મધ્યપ્રદેશના જબલપુરથી પણ સાંસદ બન્યા હતા. યુપીના બદાયુંથી લોકસભા પણ પહોંચ્યા હતા. તેઓ ભારતમાં એવા પ્રથમ રાજનેતા હતા કે જેઓ બિહાર, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ એમ ત્રણ રાજ્યોમાંથી લોકસભાની ચૂંટણી જીત્યા હતા. તેઓ ઇમરજન્સી દરમિયાન જેલમાં પણ ગયા હતા.