ભારત અને મહારાષ્ટ્રના પીઢ રાજકીય નેતા શરદ પવારે મંગળવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની અચાનક જાહેરાત કરી હતી. જોકે તેઓ હજુ રાજકારણમાંથી નિવૃત્ત થશે નહીં. પક્ષના વડા તરીકે તેમના સ્થાને કોણ આવશે તે અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરાઈ નથી. શરદ પવારે કેન્દ્રીય સંરક્ષણ અને કૃષિ પ્રધાન તરીકે સેવા આપી છે. તે દેશના ટોચના વિપક્ષી નેતાઓમાંના એક છે અને મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી સરકાર બનાવવા માટે શિવસેના, કોંગ્રેસ અને NCP વચ્ચે અસંભવિત જોડાણને એકસાથે જોડવામાં તેમની મોટી ભૂમિકા હતી.
ચાર વખતના મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન શરદ પવારે મુંબઈમાં તેમની આત્મકથાના વિમોચન કાર્યક્રમમાં આ આશ્ચર્યજનક જાહેરાત કરી હતી. તે સમયે તેમને ભત્રીજા અને એનસીપીના વરિષ્ઠ નેતા અજિત પવાર પણ હાજર હતાં. તેમના નિર્ણયનો એનસીપી કાર્યકરો અને નેતાઓએ વિરોધ કર્યો હતો. ઘણા કાર્યકરોના આંખમાં આંસુ આવી ગયા હતા.
શરદ પવારે ભાવિ પગલાં લેવા માટે પક્ષના વરિષ્ઠ નેતાઓની એક પેનલની પણ જાહેરાત કરી હતી. પાર્ટીના કાર્યકરો અને નેતાઓએ શરદ પવારે તેમનો નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી હતી. NCPના ટોચના નેતા અને રાજ્યસભાના સભ્ય પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે શરદ પવારે રાજીનામું આપતા પહેલા કોઈને વિશ્વાસમાં લીધા ન હતાં.
તેમના ભત્રીજા અજિત પવાર ભાજપમાં સામેલ થશે તેવી અટકળો ચાલી રહી છે ત્યારે શરદ પવારે આ મોટી જાહેરાત કરી હતી. અજિત પવાર તાજેતરમાં પાર્ટીના સંમેલનમાં હાજર રહ્યાં ન હતા.ઉલ્લેખનીય છે કે શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેએ બરાબર 15 દિવસ પહેલા આગામી 15 દિવસમાં “બે મોટા રાજકીય વિસ્ફોટ” થવાનો સંકેત આપ્યો હતો. “એક (વિસ્ફોટ) દિલ્હીમાં અને બીજો મહારાષ્ટ્રમાં થશે તેવો તેમણે સંકેત આપ્યો હતો. મહારાષ્ટ્રમાં પોતાનું સંખ્યાબંધ વધારવા માટે પ્રયાસ કરી રહેલા ભાજપે અગાઉ જણાવ્યુ હતું કે તેઓ પક્ષમા અજિત પવારનું સ્વાગત કરશે.