ભારતમાં ટૂંકસમયમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. વિરોધ પક્ષોએ મોદીના વડપણ હેઠળના ભાજપનો સામનો કરવા માટે ઇન્ડિયા નામનું ગઠબંધન બનાવ્યું છે. જોકે મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં બેઠક વહેંચણીના મુદ્દે કોંગ્રેસ અને સપા વચ્ચે વિખવાદ બહાર આવ્યા પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે શનિવારે સ્વીકાર્યું હતું કે કેટલાંક રાજ્યોની ચૂંટણીઓમાં સંયુક્ત મોરચો બનાવવા અંગે વિરોધ પક્ષો વચ્ચે મતભેદો છે, પરંતુ વિપક્ષમાં એવી લાગણી પણ છે કે બધાએ સાથે મળીને લોકસભાની ચૂંટણી લડવી જોઈએ.
મહારાષ્ટ્રના આ દિગ્ગજ મરાઠા નેતાએ એક પત્રકાર પરિષદને સંબોધતા પવારે જણાવ્યું હતું કે તાજેતરની વિધાનસભા ચૂંટણીના ટ્રેન્ડ સંકેત આપે છે કે સ્થિતિ વિપક્ષ માટે અનુકૂળ છે, પરંતુ રાષ્ટ્રીય સ્તરે સરકારમાં ફેરફાર થશે કે નહીં તે અંગે ટિપ્પણી કરવા માટે તેમની પાસે કોઈ વિશ્વસનીય માહિતી નથી. કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને પંજાબ સહિત મોટાભાગના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકારો નથી
પવારે જણાવ્યું હતું કે અમારા કેટલાંક અભિપ્રાયો છે. પરંતુ વિપક્ષમાં બહુમતી અભિપ્રાય એ છે કે દરેક પક્ષે લોકસભાની ચૂંટણીમાં એકજૂથ થવું જોઇએ. રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી અંગે અમારામાં મતભેદો છે. કેટલાંક રાજ્યોમાં કોંગ્રેસ મહત્ત્વનો પક્ષ છે અને કેટલાંક રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોનો પ્રભાવ છે, તેથી તમામ સ્તરે આ મુદ્દાનો ઉકેલ લાવવો પડશે. લોકસભાની ચૂંટણીમાં આ મુદ્દાનો ઉકેલ લાવી શકાય છે, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં તે સરળ નથી.
મધ્યપ્રદેશની તમામ 200 બેઠકો માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધી છે અને એકપણ સહયોગી પક્ષને બેઠક ફાળવણી નથી. તેથી ઇન્ડિયા ગઠબંધનમાં વિખવાદ સર્જાયો હતો. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે જણાવ્યું હતું કે કોંગ્રેસે સ્પષ્ટ કરવું જોઇએ કે તે ગઠબંધન ઇચ્છે કે નહીં.