મહારાષ્ટ્રમાં એનપીસીના નેતા શરદ પવારના નિવાસસ્થાને ટ્રાન્સપોર્ટ કર્મચારીઓના વિરોધી દેખાવના મુદ્દે રાજકારણ ગરમાયું છે. રાજ્યની સત્તાધારી પાર્ટી શિવસેનાએ એનસીપીના વડા શરદ પવારના નિવાસસ્થાને હુમલાનું કાવતરુ ઘડવાનો વિપક્ષ ભાજપ પર સીધો આક્ષેપ કર્યો હતો. આવાસ પ્રધાન ડો. જિતેન્દ્ર આવ્હાડે દાવો કર્યો હતો કે આ હુમલાનો મૂળ ઇરાદો પવાર, તેમની પત્ની અને પરિવારના સભ્યોને શારિરીક ઇજા કરવાનો હતો. સદનસનીબે રાજ્યના લોકોના આશીર્વાદને કારણે પવાર સાહેબ કે પરિવારના સભ્યોને કોઇ ઇજા પહોંચી ન હતી. એનસીપીના પ્રવક્તા મહેશ તાપસેએ જણાવ્યું હતું કે આ હુમલો મહારાષ્ટ્ર સરકારને અસ્થિર કરવાનું રાજકીય કાવતરું અને પૂર્વઆયોજિત હતો. તેમણે ચીમકી આપી હતી કે પાર્ટીના કાર્યકારો મૂકપ્રેક્ષક બની રહેશે નહીં. પવાર સાથે બેઠક બાદ શિવસેનાના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે જણાવ્યું હતું કે પરિવહન કર્મચારીના દેખાવો એક આંદોલન ન હતું, પરંતુ એનસીપીના વડા શરદ પવારના સાઉથ મુંબઈમાં સિલ્વર ઓક બંગલા પર પૂર્વ આયોજિત અને ઘાતકી હુમલો હતો.