ભારતના ટોચના ઉદ્યોગપતિ પાલોનજી મિસ્ત્રીનું ગત સોમવારે રાત્રે 93 વર્ષની વયે મુંબઈ ખાતે તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. તેઓ શાપૂરજી પાલોનજી ગ્રુપના ચેરમેન હતા અને હંમેશા લાઇમલાઇટથી દુર રહેવાનું પસંદ કરતા હતા. તેમને સૌથી અમીર પારસી વ્યક્તિ પણ ગણવામાં આવતા હતા. 150 વર્ષથી વધુ જૂની કંપની શાપૂરજી પાલોનજી ગ્રુપની સફળતાનો શ્રેય પાલોનજી મિસ્ત્રીને આપવામાં આવે છે. આશરે 50 દેશોમાં પથરાયેલા તેમના ઔદ્યોગિક સામ્રાજ્યમાં 50,000થી વધુ કર્મચારીઓ કામ કરે છે.
પાલોનજી મિસ્ત્રીનો જન્મ વર્ષ 1929માં ગુજરાતના પારસી પરિવારમાં થયો હતો. પાલોનજી મિસ્ત્રીએ એક આઇરિશ મહિલા પેટ્સી પેરિન દુબાશ સાથે લગ્ન કર્યા હતા અને તે પછી તેઓ આયર્લેન્ડના નાગરિક બન્યા હતા. જોકે, એ પછી પણ તેઓ મોટાભાગનો સમય ભારતમાં જ રહ્યા હતા. પાલોનજીના મોટા પુત્ર શાપોરજી મિસ્ત્રી હાલમાં તેમના પિતાના વારસાને આગળ વધારી રહ્યા છે.
પાલોનજી મિસ્ત્રીના નાના પુત્ર સાયરસ મિસ્ત્રી ટાટા જૂથ સાથેના તેમના વિવાદોને કારણે ચર્ચામાં આવ્યા હતા. સાયરસ મિસ્ત્રી 2012 થી 2016 સુધી ટાટા સન્સના ચેરમેન હતા. મિસ્ત્રી પરિવાર ટાટા જૂથમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. મિસ્ત્રી પરિવાર ટાટા જૂથની હોલ્ડિંગ કંપની ટાટા સન્સમાં લગભગ 18 ટકા હિસ્સો ધરાવે છે.
G7 સમિટમાં ભાગ લેવા માટે જર્મની ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પાલોનજી મિસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાને ટ્વીટ કરીને લખ્યું છે કે, ‘પાલોનજી મિસ્ત્રીના નિધનના સમાચારથી આઘાત લાગ્યો. તેમણે વાણિજ્ય અને ઉદ્યોગ જગતમાં યાદગાર યોગદાન આપ્યું હતું. તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય ચાહકો પ્રત્યે મારી સંવેદના. તેમના આત્માને શાંતિ મળે.’