દ્રારકા-શારદા પીઠના શંકરાચાર્ય શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજીનું મધ્યપ્રદેશના નરસિંહપુરમાં રવિવાર, 11 સપ્ટેમ્બરે નિધન થયું હતું. તેમની ઉંમર 99 વર્ષ હતી. જગતગુરુ શંકરાચાર્ય શ્રી સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી દ્વારકા અને જયોર્તિર્મઠ એમ બે મઠોના શંકરાચાર્ય હતા. અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે તેમણે લાંબી કાનૂની લડાઈ લડી હતી.
મીડિયા અહેવાલ મુજબ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ પોતાના આશ્રમમમાં બપોરે 3 વાગ્યે છેલ્લા શ્વાસ લીધા હતા. થોડા દિવસો પહેલા જ તેમણે પોતાના 99મા જન્મદિનની ઉજવણી કરી હતી. તેમનો જન્મ 2 સપ્ટેમ્બર 1924એ થયો હતો. તેઓ દ્વારકા અને જ્યોર્તિર્મઠ પીઠના શંકરાચાર્ય હતા.
દેશની આઝાદી માટે શંકરાચાર્ય સ્વરૂપાનંદે અંગ્રેજોનો પણ સામનો કર્યો હતો. 1942માં ભારત છોડો આંદોલનમાં પણ તેમણે ભાગ લીધો હતો અને બે વખત જેલમાં ગયા હતા. તેમનું બાળપણનું નામ પોથીરામ હતું. તેમણે કાશીમાં કરપાત્રી મહારાજ પાસેથી ધર્મનું શિક્ષણ મેળવ્યું હતું. વર્ષ 1989માં તેમને શંકરાચાર્યની પદવી મળી હતી. 1950માં શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી બ્રહ્માનંદ સરસ્વતી પાસેથી તેમણે દંડ-સંન્યાસની દીક્ષા લીધી હતી અને સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના નામથી પ્રખ્યાત બન્યા હતા.
નવ વર્ષની નાની ઉંમરમાં જગતગુરુ શંકરાચાર્ય શ્રી સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ ઘરનો ત્યાગ કરીને ધર્મ યાત્રાઓનો પ્રારંભ કર્યો હતો. કાશીમાં તેમણે બ્રહ્મલીન શ્રી સ્વામી કરપાત્રી મહારાજ પાસેથી વેદ-વેદાંત અને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો.
શંકરાચાર્ય સ્વરૂપાનંદ સ્વસ્વતી પોતાના નિડર અભિવ્યક્તિ માટે જાણીતા હતા. તેમણે રામ મંદિર ટ્રસ્ટ અંગે સરકારને સવાલ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભગવા પહેરી લેવાથી કોઇ સનાતની બની જતા નથી. રાજનીતિમાં તેઓ ઘણા સક્રિય હતા અને ઘણા મુદ્દા અંગે સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવતા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે દ્રારકા શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીના નિધનથી અત્યંત દુઃખ થયું છે. શોકના આ સમયે તેમના અનુયાયીઓ પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ, ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.